બગસરા નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટેશનથી બાયપાસ સુધી રોડ બનાવવાનું કામ ઘણા દિવસ અગાઉ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાં ખોદકામ કર્યા પછી છેલ્લા ઘણા સમયથી તે કામ બંધ કરવામાં આવ્યું છે. ખોદકામની સાથો સાથ ગટરના ઢાંકણા પણ ખુલ્લા રાખ્યા હોવાથી અહીં પસાર થતા વાહન ચાલકો અવારનવાર તેમાં ખૂંચી જતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા બનાવો છાશવારે બનતા હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી કોઈ ભયંકર અકસ્માત થાય તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે પણ એક કાર ચાલક પોતાની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે તેમાં કાર ખૂંચી ગઇ હતી. દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે તેમ છતાં આ રોડ ખોદી નાખવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.