રત્નેશ્વર મહાદેવના મંદિરેથી નિકળી પાલખી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે
બગસરા શહેરમાં સતત ત્રીજા વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે સનાતન ગ્રુપ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫ ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજાનારા આ ‘ત્રિ-પાલખી શિવોત્સવ’માં પ્રથમ વખત માતાજી પણ પાલખીમાં બિરાજમાન થશે. રત્નેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થનારી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વાંઝા જ્ઞાતિ પાર્ટી પ્લોટ પહોંચશે, જ્યાં અષ્ટભૈરવની રાજોપચાર મહાઆરતી કરવામાં આવશે. આજે શનિવારે રાત્રે ૯ કલાકે સાતલ નદીના કાંઠે વાંઝા જ્ઞાતિના પાર્ટી પ્લોટમાં ગુજરાતના પ્રખ્યાત કવિઓ દ્વારા કાવ્ય પઠનનો વિશેષ કાર્યક્રમ યોજાશે. સનાતન ગ્રુપ દ્વારા શહેરને ધ્વજા-પતાકાથી શણગારવામાં આવ્યું છે. સ્થાનિક વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી આ મહોત્સવમાં જોડાશે. માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ફરાળ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમસ્ત હિન્દુ સમાજે તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં ઉમટી પડવા નિમંત્રણ પાઠવ્યું છે.