બગસરામાં માયકાંગલી નેતાગીરી અને આગેવાનોના ફોટોસેશનના શોખને લીધે બગસરા એસ.ટી.ડેપોમાં એકપણ નવા રૂટ શરૂ થયા નથી જેથી મુસાફર જનતા અને સામાજિક સંસ્થાઓમાં ભારે રોષ ફેલાયો છે. બગસરાની સામાજિક સંસ્થાઓએ અનેકવાર નવા રૂટ ચાલુ કરવા માટે રજૂઆત કરેલ છે પરંતુ તંત્રએ બગસરા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખતા હોવાથી નવા રૂટ શરૂ થતા નથી તેવો આક્ષેપ સામાજિક સંસ્થાઓએ કર્યો છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલે જણાવ્યું હતું કે, ધારાસભ્યએ નવા રૂટ શરૂ કરવા માટે કયારેય રજૂઆત કરેલ નથી અને બગસરા-શિરડી બસને લીલીઝંડી આપ્યા બાદ બસ બંધ પણ થઈ ગઈ છે તો વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશ મસરાણીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય બગસરા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખે છે ધારી-ભુજ કે ધારી-નાથદ્વારા બસને વાયા બગસરા કરવાને બદલે વાયા અમરેલી બસ કરવામાં આવી છે. આ અંગે આપના આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા બગસરાનો મોટો ફાળો છે ત્યારે ધારાસભ્યએ ધારીની સાથે બગસરા-ખાંભાને પણ એસ.ટી.બસના નવા રૂટ મળે તેવા પ્રયત્નો કરવો જાઈએ.
નવા રૂટ ચાલુ કરવા રજૂઆત કરાશે: જે.વી. કાકડીયા
ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, બગસરાએ જે માંગણી કરેલ છે તેને પણ ચાલુ કરવાની રજૂઆત કરાશે પણ ક્યારે નવા રૂટ ચાલુ થશે તે અંગે કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. જેથી આગેવાનો ફોટોસેશન કરવાને બદલે નવા રૂટ શરૂ કરવા માટે રજૂઆત કરે તેવુ મુસાફર જનતા ઈચ્છી રહી છે.








































