બગસરામાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘર પાસે ધૂળ ભરેલા ખોખા ફેંકવાની ના પાડતા એક પુરુષ અને બે મહિલાએ પરિણીતાને માર માર્યો હતો. આ અંગે શબનમબેન આસીફભાઈ અગવાન (ઉ.વ.૩૫)એ રેહાન હાસમભાઈ શાહમદાર, નુરીબેન હાસમભાઈ શાહમદાર તથા આસીયાનાબેન હાસમભાઈ શાહમદાર સામે ફરિયાદ નોંધાવી હતી. બગસરામાં રહેતા ફરિયાદી બહેનના ઘરની ડેલી પાસે રેહાન હાસમભાઈ શાહમદાર ધૂળ ભરેલા ખોખાનો ઘા કરતો હતો. આ ગંદકી જોઈને ફરિયાદીએ તેને ત્યાં કચરો ફેંકવાની ના પાડી હતી. આ બાબતનું મનદુઃખ રાખી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની અન્ય બે બહેનોને પણ બોલાવી લીધી હતી. રેહાને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે ફરિયાદી બહેનના કમર અને વાંસાના ભાગે આડેધડ માર માર્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા સાહેદ સુનેરાબેનને પણ અન્ય આરોપીએ મળીને માર માર્યો હતો અને બેફામ ગાળો ભાંડી હતી. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.