બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી અંદાજે ૧૨૭ જેટલા દબાણો હોવાનો મુદ્દો ફરી ગરમાયો છે. જિલ્લા પંચાયત અમરેલીના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ વાગડિયા દ્વારા છેલ્લા બે વર્ષથી દબાણ કરનાર તમામ ૧૨૭ વ્યક્તિઓના નામ સાથે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને વારંવાર અરજીઓ આપવામાં આવી છે. ઉપલી કચેરીઓ દ્વારા તપાસની સૂચના હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પંચાયતના સરપંચ સહિતના ચૂંટાયેલા સભ્યો સામે પણ કોઈ પગલાં લેવાયા નથી. ચંદુભાઈ વાગડિયાએ ૨ ફેબ્રુઆરીએ ગ્રામ, તાલુકા અથવા જિલ્લા પંચાયતની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તેમના જણાવ્યા મુજબ દબાણો માત્ર રસ્તા પૂરતા નથી, ગૌચર અને કોમન પ્લોટ પરના દબાણો પણ યથાવત છે. અગાઉ ખાતરી છતાં કાર્યવાહી ન થતાં તંત્રની મિલીભગત હોવાની શંકા વ્યક્ત થઈ છે. હવે તંત્ર કાર્યવાહી કરે છે કે સ્થિતિ વધુ ગંભીર બને છે તે જોવાનું રહેશે.









































