બકો આજે કાંઈક નવાં અંદાજમાં હતો. હસતો હસતો, એકલો એકલો પોતાની જાત સાથે જ વાતો કરી રહ્યો હતો. ‘જો આવું થઈ જાય તો તો ભયો ભયો. પછી કોઈ કરતાં કોઈની હાડી બાર નહીં. નાં કોઈ આગળ હાથ લાંબો કરવો ના આજીજી કરવી.
પણ ? આવું થશે ખરુ?’
વાત વાતમાં બોસનું ઘર ક્યારે આવી ગયુ એ જ ના હમજાયુ.
બોસ આજનું છાપું લયને હમાચાર તોળી રહ્યા હતા.
બકાએ આવતાં વેંત જ ધડાકો કર્યો.
“બોસ , આપણી આસપાસ કોઈ હારી નિહાળ ખરી ?”
“અરે ગાંડાભાઈ! સરકારી નિહાળ હંધીય હારી જ છે.
ઈ તો મારી- તમારી જેવાને એમ લાગે છે કે, સરકારી નિહાળમા માસ્તરો ભણાવતાં નથી. અને એટલે ખરસો કરીને ‘ય છોકરાઓને શેરની પ્રાઈવેટ નિહાળમાં ભણાવા મૂકે છે.”
“પણ બોસ, હંધાય પ્રાઈવેટ નિહાળના વખાણ કરે છે તો કાંઈક તો વાતમાં વજૂદ હશે ને !??”
“છે ને વજૂદ !! એનાં બિલ્ડીંગ હારા હોય, એના માસ્તરો રૂપાળા હોય, ભણાવતી છોકરીઓ નાની નાની હોય. એની ફી મોંધી હોય, અને એનું દફતર મોટું હોય. બાકી વધારે ભણેલાં માસ્તરો સરકારી નિહાળમા જ હોય. વધારે પગારદાર માસ્તરો સરકારી નિહાળમા જ હોય. બાકી પ્રાઈવેટ નિહાળમા તો ચા પાણી નાસ્તાના માંડ માંડ થાય એટલો જ પગાર હોય છે.
હવે તું જ કહે સરકારી નિહાળમાં ઉંચી ડિગ્રી વાળા માસ્તરો હોય. પ્રાઈવેટ નિહાળમા ડિગ્રી વગરના માસ્તરો હોય. પછી કોણ હારુ ભણાવે ?
પણ બકા, આ ઉંમરે હવે તારે હારી નિહાળની હું જરૂર પડી?”
“મારે નહીં બોસ, મારી ઘરવાળીને.”
“તારી ઘરવાળી ને હવે ભણવું છે?”
“ના..આ..! એ આમ તો ભણેલી જ છે. પણ !??”
“પણ શું ? એ ક્યાં સુધી ભણેલી છે?”
“રોંઢા લગણ ભણી છે.”
“રોંઢા લગણ મતલબ ? કેટલાં ધોરણ?”
“આમ તો ઈ ચાર પાંચ ચોપડી ભણી છે. પણ, લખતાં વાંચતાં હારુ આવડે . નો લખ્યું હોય ઈય વાંચી હકે છે. ”
“એ હું કાંઈ હમજયો નહીં. પણ , લખ્યાં વગરનું વાંચે એ લગભગ અભણ હોય. આવાં ભણેલાં લગભગ ચૂંટણીમાં હાલી જાય.”
“એટલે હવે તારે તારી ઘરવાળીને ચૂંટણીમાં ઊભી રાખીને સરપંચ બનાવવી છે? અને તારે સરપંચ પતિ બનીને કારોબાર હકાવવો છે? જેમ હંધાય હકાવે છે એમ.”
“ના રે ના બોસ. ગામડાં ગામનો સરપંચ કરી કરીને કેટલું ‘ક કરી હકે? (કામ હોં) બીજું કાંઈ હમજતા નહીં.”
“તો પછી તારે તારી ઘરવાળીને શું બનાવવી છે? અને ક્યાં લગણ ભણાવવી છે?”
“બોસ! એમાં ઈ ભણતરમાં મને કાંઈ જાજો ટપ્પો નો પડે. પણ, ઓલ્યા મોટાં મોટાં સાહેબ નો હોય! ન્યા લગણ ભણાવવી છે. એટલે હારી નિહાળ હોય તો જ ન્યા લગણ પોગી હકાય ને !!?”
“એટલે ન્યા લગણ ભણાવીને પછી હું કરવું છે?”
“ભૂખ ભાંગવી છે. કેટ -કેટલી ‘ય પેઢીથી ભૂખ ભેખડે ભરાણી છે.”
“ભૂખ તો માસ્તરાણી બનાવ તો ય ભાંગી જ જાહે. માસ્તરોને પચાહ હજાર, લાખ લાખ રૂપિયા પગાર સરકાર આપે છે. તારી ભૂખ વળી કેવડી ‘ક હશે !?”
“ના બોસ ના. આ ભૂખ એમ લાખ રૂપિયામાં ભાંગે એમ નથી. હવે એવી ભૂખ લાગી છે, આ ભૂખે હવે મોટું મોઢું ફાડયુ છે.”
“તો પછી, તારી ઘરવાળીને લાં..બુ ભણાવીને લાં..બો ટૂંકો ખરસો કરવો પડશે. પૈસાની જોગવાઈ કેવડી ‘ક છે? આમાં પેલાં રૂપિયાનો કોથળો ભરીને તૈયાર રાખવો પડશે.”
“મેં તો હાંભળ્યું છે કે, સરકાર બૈરા માણહને મફત ભણાવે છે.”
“ઈ વાત તારી હાસી છે. પણ , આવાં રોંઢા હુધી ભણેલા એમાં નો હાલે. રાત દિવસ એક કરવાં વાળા જ એમાં હાલે.”
“હવે થોડીઘણી લાગવગ અને થોડીઘણી ઘાલમેલ કરીને ઓલ્યા રાજકારણીઓ કરે છે, એમ કરીને ક્યાંક ગોઠવી દો ને.” (ઓલ્યુ હમણાં પી એચ ડી ની ડિગ્રીનું નહોતું હાલ્યું)
“પણ મને ઈ નથી હમજાતું કે, હવે તારે પાકે ઘડે કાંઠા કાં ચડાવવા છે!?”
“ભૂખ ભાંગવા. પેલાં તો કીધું. ઈ ભણ્યા વગર હવે ભૂખ ભાંગે એમ લાગતું નથી.”
“હા પણ, તને આ રવાડે કોણે ચડાવ્યો? ઈ પરીક્ષાનું પરિણામ પાંચ જ ટકા આવે છે. ઈ તને ખબર છે ?” “મારે ઈ કાંઈ જાણવું નથી. મને તો અત્યારે ઝાંસીની રાણી નહીં. ઝાંસીની ‘પ્રભા ભંડારી ‘દેખાય છે. તમે જ લ્યો, આ છાપું વાંચો. અને ફોટો તો જૂઓ..! રૂપિયાનો આખો કબાટ ભર્યો છે.”
અભણ અમથાલાલે વચ્ચેથી છાપું લીધું.
એની આંખો ચાર થઈ ગઈ. “બાયુ માણહ આટલી મોટી જીગર કરી હકે !? આતો ભાયડાને ‘ય ભુ પાઈને ભારે પડે એવી બાઈ છે. (વધું આવતાં અંકે) kalubhaibhad123@gmail.com













































