અમદાવાદના વિકસિત વિસ્તાર ગણાતા બોપલ અને શેલામાં રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ‘અક્ષર અનંત’ નામની સ્કીમ મૂકીને ગ્રાહકો પાસેથી બુકિંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડરોએ ગ્રાહકોને ફ્લેટ અને દુકાનો આપવાના બદલે જે જમીન પર સ્કીમ મૂકી હતી, તે જમીન અન્ય કોઈને બારોબાર વેચી દીધી હતી.
આ કૌભાંડમાં બિલ્ડરોએ શેલા વિસ્તારમાં ૧૪ માળની ચાર અલગ-અલગ સ્કીમ મૂકી હતી. આ પ્રોજેક્ટ્સમાં આધુનિક સુવિધાઓવાળા ફ્લેટ અને દુકાનો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જાહેરાતોથી આકર્ષાઈને અંદાજે ૪૬ જેટલા ગ્રાહકોએ અહીં રોકાણ કર્યું હતું. આ તમામ ગ્રાહકો પાસેથી મળીને કુલ ૧૨.૪૦ કરોડ જેટલી માતબર રકમ વસૂલવામાં આવી હતી.
ગ્રાહકોને આશા હતી કે તેમને સમયસર તેમના સપનાનું ઘર મળી જશે, પરંતુ બિલ્ડરોની દાનત ખોટી હતી. જ્યારે ગ્રાહકોએ પ્રોજેક્ટની કામગીરી બાબતે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે જે જમીન પર ‘અક્ષર અનંત’ સ્કીમ બનવાની હતી, તે જમીન બિલ્ડરોએ અન્ય વ્યકિતઓને વેચી દીધી છે. આ જાણકારી મળતા જ છેતરાયેલા ગ્રાહકોએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓ – યોગેશ ઠક્કર , રોનક સોનાણી, અને વિપુલ ગાંગાણીની ધરપકડ કરી છે. આ બિલ્ડરોએ ગ્રાહકોના નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જાકે, આ કેસમાં હજુ અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાએ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ચકચાર જગાવી છે. રોકાણકારો અને ઘર ખરીદનારાઓએ કોઈપણ નવી સ્કીમમાં રોકાણ કરતા પહેલા તે રેરા હેઠળ રજીસ્ટર્ડ છે કે નહીં અને જમીનના ટાઈટલ કલીયર છે કે નહીં તેની ચોકસાઈપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે.








































