પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્તીસ્તાનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ૨ પાઇલટ સહિત ઓછામાં ઓછા ૫ ક્રૂ સભ્યોના મોત થયા છે. અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી આપી છે.ગિલગિટ-બાલ્તીસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ડાયમેર જિલ્લાના ચિલાસ વિસ્તારમાં ક્રેશ થયું છે. તેમણે કહ્યું, “અમારું એક હેલિકોપ્ટર ચિલાસના થોર ખાતે ક્રેશ થયું છે.” તેમણે કહ્યું કે ક્રૂમાં ૨ પાઇલટ અને ૩ ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.દિયામરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અબ્દુલ હમીદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ૫ લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર પરીક્ષણ તરીકે નવા પ્રસ્તાવિત હેલિપેડ પર ઉતરી રહ્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગયા મહિને ખૈબર પખ્તુનખ્વા સરકારનું હેલિકોપ્ટર ક્રેશ થયા પછી તાજેતરના અઠવાડિયામાં આ બીજા અકસ્માત છે.હાલમાં, અધિકારીઓએ હેલિકોપ્ટર અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે અને અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આ દુર્ઘટનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્તીસ્તાન ક્ષેત્રમાં ચિંતા વધારી છે. પાકિસ્તાનમાં તાજેતરના હેલિકોપ્ટર અકસ્માતોને કારણે, પાકિસ્તાન આર્મી એવિએશનની સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ તૈયારીઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.