પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ભયંકર પૂરને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા છે અને અધિકારીઓને શહેરોને આફતથી બચાવવા માટે વિસ્ફોટકો લગાવીને પાળા તોડવાની ફરજ પડી છે. શનિવાર સવારથી પંજાબ પ્રાંતના મુખ્ય શહેરોમાં મુશળધાર વરસાદથી લોકોની, ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. અધિકારીઓએ  ૨ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેનાથી પરિસ્થિતિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. પાકિસ્તાનનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત પંજાબ લગભગ એક અઠવાડિયાથી ભીષણ પૂરની ઝપેટમાં છે અને કરતારપુર સહિત સમગ્ર પ્રાંતમાં ઓછામાં ઓછા ૧,૭૦૦ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. શીખો માટે કરતારપુરનું વિશેષ મહત્વ છે.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, ૨૬ જૂને દેશમાં ચોમાસાની શરૂઆત અને પૂરથી સંબંધિત ઘટનાઓમાં લગભગ ૮૪૨ લોકોના મોત થયા છે. પંજાબના વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન પ્રાંતમાં પૂરને કારણે ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા છે. “પૂરને કારણે પંજાબમાં લગભગ ૧૫ લાખ લોકો બેઘર થયા છે અને પૂરના પાણીમાં ફસાયેલા લગભગ પાંચ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે,” મરિયમે જણાવ્યું હતું.તેમણે કહ્યું કે પૂરને કારણે લગભગ ૨૦૦૦ ગામડાઓ ડૂબી ગયા હતા અને હજારો એકર જમીન પરનો પાક પણ નાશ પામ્યો હતો. પૂરની પરિસ્થિતિતિ બગડતા અધિકારીઓએ શહેરોને આફતથી બચાવવા માટે પ્રાંતમાં ઘણી જગ્યાએ વિસ્ફોટકો મૂકીને પાળા તોડવા પડ્યા હતા. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, પ્રાંતના મંડી બહાઉદ્દીન, ચિનિયોટ અને ઝાંગ સહિત વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સાત પાળા તોડી નાખવામાં આવ્યા હતા. મંત્રીના જણાવ્યા અનુસાર, ચિનાબ નદીના પાણીથી લગભગ ૧,૧૬૯ ગામો, રાવી નદીના પાણીથી ૪૬૨ ગામો અને સતલજ નદીમાં આવેલા પૂરથી ૩૯૧ ગામો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને તેમની સંભાળ રાખવા માટે પ્રાંતભરમાં ૩૫૧ રાહત અને તબીબી શિબિરો કાર્યરત છે.