અમરેલી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી ધોધમાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે તો સાથોસાથ પશુપાલકોને પણ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં અશ્વિનભાઈ સાવલિયાએ જણાવ્યું છે કે સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પશુઓને રહેવા માટે કોઈપણ વ્યવસ્થા ન હોય અને સતત ઠંડો વરસાદ પશુઓ પર પડવાને કારણે પશુઓના દૂધ ઉત્પાદન પર અસર પડી રહેલ છે. પશુઓને ખવડાવવા માટે કોઈપણ પ્રકારનો ઘાસચારો કે ખાણદાણની પશુપાલકો પાસે કોઈ વ્યવસ્થા ન હોય અને સતત વરસાદને કારણે પશુઓ બીમાર રહેતા હોય તેવા સંજોગોમાં પશુપાલકોને મેડિકલ સારવાર, ખાણદાણ અને ઘાસચારો આપીને પશુપાલકોનું કિંમતી પશુધન બચાવવા માટે રાજ્ય સરકારને તાત્કાલિક નિર્ણય કરવા અંતમાં માંગ કરી હતી.