ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલી બાતમીના આધારે પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતા ચાર રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સો બેફામ રીતે થેલાઓમાં દારૂ ભરીને ભાવનગરમાં પ્રવેશ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો અને આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે કબજે કર્યા છે.ભાવનગર શહેરમાં અગાઉ સ્થાનિક લોકો દ્વારા દારૂની હેરાફેરીના પ્રયાસો થતા હતા, પરંતુ હવે પરપ્રાંતીય શખ્સો પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પરપ્રાંતીય દારૂ ભાવનગરમાં ઘૂસતો હતો, પરંતુ હવે પરપ્રાંતીય શખ્સો દ્વારા પરપ્રાંતીય દારૂની હેરાફેરી થઈ રહી છે. આ મામલે એલસીબી પોલીસે ચાર શખ્સો સાથે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે એસટી બસ સ્ટેન્ડની બહાર, અપોલો હોટલની સામે જાહેર રસ્તા પર કેટલાક શખ્સો થેલાઓમાં વિદેશી દારૂ લઈને ઊભા છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને શંકાસ્પદ શખ્સોના થેલાઓની તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.એલસીબી પોલીસે અપોલો હોટલની સામે જાહેર રસ્તા પર ઉભેલા ચાર શખ્સોના છ થેલાઓની તપાસ કરતાં કુલ ૩૮૪ વિદેશી દારૂની બોટલો મળી આવી. આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું. પોલીસે ૬ થેલાઓ અને દારૂની બોટલો સહિત કુલ રૂ. ૧,૦૬,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો અને આરોપીઓને નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી દીધા.
પોલીસે ઝડપેલા ચાર આરોપીઓની ઓળખ નીચે મુજબ છેઃ
અશોક બચુલાલ કસોટા (ઉંમરઃ ૧૯ વર્ષ), રહે. ગરણવાસ, ઝાડોલ તાલુકો, ઉદયપુર, રાજસ્થાન.
સતીશ હરિલાલ દરંગા (ઉંમરઃ ૧૯ વર્ષ), રહે. ગરણવાસ, ઝાડોલ તાલુકો, ઉદયપુર, રાજસ્થાન.
ભરતકુમાર સુનીલાલ ડોડીયાર (ઉંમરઃ ૧૯ વર્ષ), રહે. હર્ષાવાડા, ખેરવાડા તાલુકો, ઉદયપુર, રાજસ્થાન.
અભિમન્યુ કડવાજી ડોડીયાર (ઉંમરઃ ૧૮ વર્ષ), રહે. હર્ષાવાડા, ખેરવાડા તાલુકો, ઉદયપુર, રાજસ્થાન.
આ તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.