શિક્ષણપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાયકાઓ પૂર્વે ધારીમાં જે પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું, તે પંચાયતના વહીવટ હેઠળ આવ્યા બાદ આધુનિકીકરણના નામે બીજા માળે ખસેડાતા વાચકો માટે મુશ્કેલીરૂપ બન્યું હતું.
વયોવૃધ્ધો અને બાળકો માટે પગથિયાં ચઢવા અઘરા પડતા જનસંખ્યા ઘટવા લાગી અને અંતે વર્ષોથી આ લાયબ્રેરી બંધ હાલતમાં છે. આ અંગે ધારી પત્રકાર સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને માજી સરપંચ જીતુભાઈ જોશીએ હકારાત્મક પ્રતિસાદ આપી એક સપ્તાહમાં લાયબ્રેરી શરૂ કરવાની ખાતરી આપી છે. બીજી તરફ, તાલુકા પંચાયત ચોક પાસે નવી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોની માંગ છે કે જૂના બિલ્ડિંગમાં રહેલી અદ્યતન સગવડો પ્રથમ કાર્યરત કરવામાં આવે. જો આગામી એક અઠવાડિયામાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જાગૃત નાગરિક અને પત્રકાર હનીફ નાડ દ્વારા નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આમ, વર્ષોથી ધૂળ ખાતી લાયબ્રેરીમાં ફરી જ્ઞાનની ગંગા વહે તેવી લોક અપેક્ષા જાગી છે.