પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આજે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૨.૭ નોંધાઈ હતી. જાકે સદનસીબે, આંચકો હળવો હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના પશ્ચિમ પંથકમાં સવારે ૧૦ વાગ્યે ૩૪ મિનિટ અને ૧૩ સેકન્ડે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ગોધરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પઢીયાર, વેલવડ, કાકણપુર અને રામપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ આ ધ્રુજારી અનુભવી હતી. આંચકો સામાન્ય હોવા છતાં, અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકોમાં થોડો સમય ડરનો માહોલ જાવા મળ્યો હતો અને લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા.
પઢીયાર ગામના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, “સવારે સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે અમે કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જમીન ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો. આંચકો ઘણો સામાન્ય હતો, જેથી જે લોકો જમીન પર બેઠેલા હતા તેમને તેની અસર તરત જ વર્તાઈ હતી. બાદમાં ગામમાં ચર્ચા થતા ખાતરી થઈ કે આ ભૂકંપનો આંચકો જ હતો.”
ગાંધીનગર સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા આ આંચકાની સત્તાવાર નોંધ લેવામાં આવી છે. નિષ્ણાતોના મતે ૨.૭ની તીવ્રતાનો આંચકો ખૂબ જ હળવો ગણાય છે, જેનાથી કોઈ મોટા નુકસાનની ભીતિ રહેતી નથી. જાકે, તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે.