ભારતના પડોશી દેશ નેપાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલો વિરોધ સોમવારે હિંસક બન્યો. પોલીસે યુવાનોના ટોળા પર ગોળીબાર કર્યો, જેમાં લગભગ ૨૧ લોકો માર્યા ગયા. તે જ સમયે, ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી શક્યતા છે કે કેપી ઓલી દેશ છોડીને ભાગી શકે છે.
મળતી માહિતી મુજબ, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશની કમાન નાયબ વડા પ્રધાનને સોંપી દીધી છે. જોકે, વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે દેશમાં વચગાળાની સરકાર બનાવવી જાઈએ. આ ઉપરાંત, સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ યોજવાની પણ માંગ છે.
સોમવારે વિરોધ કરી રહેલા યુવાનો પર ગોળીબાર બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો. મંગળવારે વિરોધીઓએ દેશના મંત્રીઓ અને નેતાઓના ઘરો પર હુમલા વધુ તીવ્ર બનાવ્યા. નેપાળમાં યુવા વિરોધીઓનું ટોળું પીએમ ઓલીના ઘર તરફ આગળ વધ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી નેતા પુષ્પ કમલ દહલ (પ્રચંડ) ના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નેપાળી કોંગ્રેસ પ્રમુખ દેઉબાના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના ઘરને આગ લગાવવામાં આવી છે અને સંદેશાવ્યવહાર મંત્રીના ઘરને પણ આગ લગાવવામાં આવી છે.નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ દેશમાં થયેલા વિશાળ વિરોધ પ્રદર્શનો પર એક નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું, “વિરોધ દરમિયાન બનેલી દુઃખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. જોકે અમે માનતા હતા કે અમારા બાળકો શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ રજૂ કરશે, પરંતુ વિવિધ સ્વાર્થી લોકો દ્વારા વિરોધ પ્રદર્શનમાં ઘૂસણખોરી થવાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોના જીવ ગયા… સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નહોતી અને તેના ઉપયોગ માટે વાતાવરણ સુનિશ્ચિત કરશે.”
નેપાળ સરકારના ઘણા મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમાં નેપાળના કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ પોતાનું પદ છોડી દીધું છે. પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવ પણ રાજીનામું આપી રહ્યા છે. નેપાળમાં શેખર કોઈરાલા (નેપાળ કોંગ્રેસ) જૂથના મંત્રીઓ રાજીનામું આપી રહ્યા છે. સોમવારે, નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે હિંસક વિરોધ પ્રદર્શનોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું.
નેપાળની રાજધાની કાઠમંડુમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યા પછી પણ, હિંસા દરમિયાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ છે. પરિસ્થિતિ એવી છે કે નેપાળમાં વિરોધીઓએ નેતાઓના નિવાસસ્થાનો પર હુમલો કર્યો છે. મંત્રીઓ, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરના નિવાસસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર થઈ ગઈ છે. અહીં ગુસ્સે ભરાયેલા આંદોલનકારીઓએ રાષ્ટÙપતિ ભવનમાં કબજા જમાવીને આગ લગાવી દીધી છે.ભક્તપુરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસસ્થાનમાં આગ લાગવાથી વિરોધીઓ નાચે છે, ગાય છે અને ઉજવણી કરી રહ્યા છે. પીએમ કેપી શર્મા ઓલી વિશે એવી પણ અટકળો ચાલી રહી છે કે તેઓ દેશ છોડી શકે છે. આવી સ્થિતિમાં નેપાળમાં તખ્તાપલટ સંકેતો છે. ઘણા વિપક્ષી નેતાઓ સરકારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. કાઠમંડુના મેયર બાલેન શાહે તો વડાપ્રધાન પર નિશાન સાધ્યું અને તેમને આતંકવાદી કહ્યા.
નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, નાણામંત્રી વિષ્ણુ પ્રસાદ પૌડેલનો વિરોધીઓ દ્વારા પીછો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો. નેપાળમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું અને આગ લગાવી દીધી. આંદોલનકારીઓએ રસ્તાઓ પર પણ ભારે હોબાળો મચાવ્યો છે. ઘણી ઇમારતોને આગ લગાવવામાં આવી છે અને બધે જ આગચંપી અને પથ્થરમારો થઈ રહ્યો છે.
નેપાળમાં ચાલી રહેલી આ નવી ક્રાંતિને ઇતિહાસની સૌથી વ્યાપક અને ઉગ્ર જાહેર લાગણી કહેવામાં આવી રહી છે. રાજધાની કાઠમંડુથી લઈને અન્ય મોટા શહેરો સુધી પરિસ્થિતિ એટલી તંગ છે કે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમાંથી મોટાભાગના ૧૮ થી ૨૮ વર્ષની વયના પ્રદર્શનકારીઓ છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે આવું કેમ થયું કે દેશની ૪૩ ટકા યુવા વસ્તી અચાનક રસ્તા પર ઉતરી આવી. શું આ ફક્ત ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેનો ગુસ્સો છે, કે તેની પાછળ કંઈક બીજું છે? હિંસક પ્રદર્શનો બાદ સરકાર સંપૂર્ણ રીતે ઘેરાઈ હતી. સ્થિતિ સંભાળવવા માટે સેનાને તૈનાત કરવી પડી હતી.