અમરેલીના જાગૃત નાગરિક હસમુખ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકોની પુનઃ ભરતીનો નિર્ણય પાછો ખેંચીને નવા B.Ed. કરેલા તેમજ TET/TAT પાસ કે નાપાસ ઉમેદવારોની ભરતી કરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે શિક્ષકોની અછતને નિવારવા નિવૃત્ત શિક્ષકોની પુનઃ ભરતી કરવાના નિર્ણય અંગે ફરી વિચારણા કરવાની જરૂર છે. આ નિર્ણયથી B.Ed. પૂર્ણ કરેલા અને TET/TAT પરીક્ષા પાસ કરેલા કે ઉત્તીર્ણ ન થયેલા, પરંતુ શિક્ષક બનવાની પ્રબળ ઈચ્છા ધરાવતા હજારો યુવાનો માટે તકો મર્યાદિત બની રહી છે. આ યુવા ઉમેદવારો આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી સજ્જ છે અને નિવૃત્ત શિક્ષકોને પેન્શન મળી રહ્યું જ હશે. જ્યારે શિક્ષિત બેરોજગાર માટે આ કામનું મહેનતાણું ઘણું ઉપયોગી થશે. હાલમાં, મોટી સંખ્યામાં B.Ed. ડિગ્રીધારકો ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમને શિક્ષણ વ્યવસાયમાં પ્રવેશવાની તક આપવાથી બેરોજગારી ઘટશે. તેમણે આ પત્રની નકલ શિક્ષણ મંત્રીને પણ મોકલી છે.