અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવતા એક ભુવાનો રાજકોટ વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. સંતાન પ્રાપ્તિનો ખોટો દાવો કરનાર અને નિર્દોષ લોકોને છેતરનાર આ ભુવા રાજુભાઈ પ્રજાપતિની પોલ ખોલવા માટે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ પાખંડી ભુવો છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થા સાથે રમત રમીને આર્થિક શોષણ કરી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
મૂળ સૌરાષ્ટ્રના વિસાવદર પાસેના શાપર સુડાવડના વતની એવા આ ભુવા રાજુભાઈએ નિકોલમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો. તે દર મંગળવારે બપોર પછી લોકોના દુઃખ-દર્દ મટાડવાના બહાને ભીડ એકઠી કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તે દર વર્ષે માતાજીનો મોટો માંડવો રાખતો હતો અને વિધિ તેમજ માનતાના નામે ભોળિયા લોકો પાસેથી બે હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની રકમ પડાવતો હતો. ભુવો રાજુભાઈ છગનભાઈ જાટાણીયા નામના વ્યક્તિને માતાજીના માંડવામાં ધૂણવા માટે ખાસ બોલાવતો હતો જેથી ભક્તોમાં વિશ્વાસ પેદા કરી શકાય.
આ પાખંડી ભુવો લોકોના રોગ મટાડવા માટે મેડિકલ સાયન્સના બદલે જુવારના દાણા પીવડાવવા જેવી જાખમી પદ્ધતિઓ અપનાવતો હતો. એટલું જ નહીં, અપરણિત યુવકોને ૨૪ દિવસની કડક બાધા રખાવીને તેમને માનસિક દબાણમાં રાખતો હતો. એક ખાસ રૂમમાં પીડિતોને બોલાવીને ત્યાં વિધિ-વિધાનના નાટક કરવામાં આવતા હતા. વિજ્ઞાન જાથાએ જ્યારે દરોડો પાડ્યો ત્યારે આ તમામ ગતકડાંઓનો પુરાવો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ અંધશ્રદ્ધાના કારોબારને બંધ કરાવ્યો છે.
રાજકોટ વિજ્ઞાન જાથાએ આ કિસ્સામાં લોકોને જાગૃત કરતા જણાવ્યું છે કે શારીરિક કે માનસિક બીમારીમાં કોઈ પણ ભુવા કે તાંત્રિકના શરણે જવાના બદલે યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જાઈએ. સંતાન પ્રાપ્તિ જેવી બાબતો સંપૂર્ણપણે જૈવિક પ્રક્રિયા છે, જે કોઈ વિધિથી શક્ય નથી. સાયબર યુગમાં પણ જ્યારે આવા ભણેલા-ગણેલા લોકો અંધશ્રદ્ધાનો શિકાર બને છે ત્યારે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અનિવાર્ય બની ગયો છે. હાલમાં પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.