ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે મોત સમાન બન્યો છે. ગત ૩૧ જાન્યુઆરીની રાત્રે નાગેશ્રી ગામના ટોલનાકા પાસે રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને પુરપાટ ઝડપે આવતી કીયા કારે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલક વિરેન્દ્ર રાઠોડને વનવિભાગે ટીંબી ગામ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના મોતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા એક જ મહિનામાં આ ત્રીજી ઘટના છે. અગાઉ ૪ જાન્યુઆરીએ હેમાળ પાસે સિંહણ અને ૨૬ જાન્યુઆરીએ એક દીપડીનું પણ વાહન અડફેટે મોત થયું હતું. વાહન હડફેટે વન્યપ્રાણીઓના મોત થતા હોવાથી આ માર્ગ પર ગતિ મર્યાદામાં વાહન ચલાવવા માટે વનવિભાગે અપીલ કરી છે.