જ્ય સરકારને નવી રચાયેલી આઠ મહાનગરપાલિકાઓના નોન–ટીપી વિસ્તારમાં જમીન કપાત અંગે કરેલા નિર્ણયમાં માત્ર ૧૭ દિવસમાં જ યુ-ટર્ન લેવો પડ્યો છે. શહેરી વિકાસ વિભાગે ૧લી જાન્યુઆરીએ જાહેર કરેલો હુકમ હવે મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે. આ ૧૭ દિવસ દરમિયાન જે પણ મંજૂરીઓ કે કાર્યવાહી થઈ હોય તેને પણ તાત્કાલિક રદ કરવાનો આદેશ થતાં સંબંધિત સત્તામંડળોમાં અફરાતફરી મચી ગઈ છે. રાજ્યમાં તાજેતરમાં અÂસ્તત્વમાં આવેલી નવ મહાનગરપાલિકાઓ નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં શહેરી વિકાસ સત્તામંડળના નોન–ટીપી વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટે જમીન કપાતના ધોરણો ૪૦ ટકાથી ઘટાડીને ૨૦થી ૩૦ ટકા કરવાની છૂટ આપવામાં આવી હતી. આ નિર્ણય બિલ્ડરો અને જમીન માલિકોને સીધો લાભ પહોંચાડતો હોવાનું માનવામાં આવતું હતું.
પરંતુ આ છૂટ મળતાં જ વિવિધ જિલ્લાઓમાં ખેતીની જમીનોને ઝડપથી બિનખેતી કરાવવા માટે અરજીઓનો વરસાદ થયો. કલેક્ટર કચેરીઓમાં અચાનક અરજીઓના ઢગલા લાગી ગયા, જેને કારણે સરકારને શંકા ગઈ કે કપાતમાં રાહતના નામે ગેરરીતિ થવાની સંભાવના ઊભી થઈ છે. આ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસ વિભાગે પોતાનો જ હુકમ રદ કરવાની ફરજ પડી.
સામાન્ય રીતે સરકારનો કોઈ નિર્ણય ભવિષ્યની અરજીઓ માટે લાગુ પડે છે, પરંતુ અહીં તો ભવિષ્યમાં થનારી અરજીઓને સીધો ફાયદો મળે તેવી રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના કારણે નીતિગત વિસંગતતા ઊભી થઈ. અંતે સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાએ ૧૭મી જાન્યુઆરીએ નવો હુકમ કરી ૧લી જાન્યુઆરીનો આદેશ રદ કર્યો.
નવા હુકમ મુજબ હવે આ આઠ મહાનગરોના નોન–ટીપી વિસ્તારોમાં ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતી વખતે ફરીથી ૪૦ ટકા જમીન કપાતનો જ નિયમ અમલમાં રહેશે. ૧૭ દિવસના ગાળામાં જા કોઈને ૨૦ ટકા કપાતનો લાભ મળ્યો હોય તો તે મંજૂરી પણ રદ ગણાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧લી જાન્યુઆરીના હુકમ પછી માત્ર ચાર–પાંચ મહિનામાં જ સેકડો પ્રોજેક્ટોને ઓછી કપાતનો લાભ મળવાની શક્્યતા ઊભી થઈ હતી. ઓક્ટોબર ૨૦૨૬ સુધી આ છૂટ ચાલુ રહે તો સરકારને મોટું આર્થિક નુકસાન થઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ હતી.
આ વિવાદ અંગે સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાનો સંપર્ક કરવા છતાં તેઓ ઉપલબ્ધ થયા નથી. શહેરી વિકાસ વિભાગમાં અંદરખાને ચર્ચા છે કે, “ઓછી કપાતના નામે સુવ્યવસ્થિતિ  ખેલ” ચાલવાની આશંકા સરકારને દેખાતા આખો નિર્ણય પલટવામાં આવ્યો છે.