નવસારી જિલ્લાના એલસીબી પોલીસે દારૂ હેરાફેરી કરતી એક યુવતીને ઝડપી પાડી છે. દમણથી સુરત તરફ જતી એમ.જી. હેક્ટર કાર માંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા, રમની બોટલો તથા ટીન બિયરની કુલ ૧૧૮૨ બોટલો ઝડપી પાડી છે. ઝડપાયેલા આ દારૂની કિંમત રૂપિયા ૪ લાખ ૪૫ હજાર ૫૧૮ રૂપિયા જેટલી થાય છે. સાથે જ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. ૧૯ લાખથી વધુનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે વલસાડ જિલ્લાના કોચરવા ગામની રહેવાશી નૈનિષા ઉર્ફે નેનસી વનેશભાઈ પટેલ નામની યુવતીને પકડી પાડી હતી, જ્યારે મુખ્ય આરોપી વલસાડના કલ્સરનો રહેવાશી જીગ્નેશ ઉર્ફે જીગલો પટેલ ફરાર થઈ ગયો હતો.સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.જાડેજાના નેતૃત્વમાં એલસીબીની ટીમે આ કામગીરી હાથ ધરી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે છાપરા ચાર રસ્તા નજીક નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન આરોપી કાર મુકીને ભાગી ગયો હતો, પરંતુ તેની સાથી આરોપી યુવતી પોલીસની પકડમાં આવી ગઈ હતી. પોલીસે વાહનમાંથી દારૂ મોટો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલી યુવતી અગાઉ પણ ત્રણથી ચાર વાર દારૂની હેરાફેરી કરી ચૂકી છે. આ મહિલા બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે, પરંતુ થોડા પૈસાની લાલચમાં તેણે દારૂની હેરાફેરી કરવાનું પણ કામ શરૂ કર્યું.








































