નવરાત્રીની શરૂઆત થતાં જ માતાજીની પૂજા-અર્ચના અને શણગાર માટે ફૂલોની માંગ વધી છે. અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોની ખરીદી કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. જાકે, આ વખતે બજારમાં ગુલાબના ભાવમાં મોટો ઉછાળો જાવા મળી રહ્યો છે જ્યારે પીળા ફૂલ અને ગલગોટાના ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ, કેટલાક ફૂલોના ભાવમાં ૫થી ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. ચાલો જાણીએ જમાલપુર ફૂલ બજારમાં અત્યારે કયા ફૂલના શું ભાવ છે અને વેપારીઓ તથા ગ્રાહકો શું કહી રહ્યા છે?
જમાલપુર ફૂલ બજારના કમિટી મેમ્બર નિમેશ મોદીના જણાવ્યા અનુસાર, નવરાત્રીને કારણે બજારમાં ગ્રાહકોની અવરજવર વધી છે. જાકે, ગુલાબ સિવાય મોટાભાગનાં ફૂલોના ભાવમાં ઘટાડો થયો છે. અત્યાર સુધી જે પીળા ફૂલનો ભાવ પ્રતિ કિલો ૫૦થી ૬૦ હતો, તે હવે ઘટીને ૨૦થી ૨૫ પ્રતિ કિલો થયો છે. કેટલાક ફૂલોના ભાવ તો પ્રતિ કિલો ૧૫ સુધી પણ પહોંચી ગયા છે.
બીજી તરફ, ગુલાબના ભાવમાં ધરખમ વધારો જાવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ૧૦૦થી ૧૨૦ પ્રતિ કિલોના ભાવે મળતું ગુલાબ નવરાત્રી દરમિયાન છૂટક બજારમાં ૩૦૦થી ૪૦૦ પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક ફૂલોના ભાવમાં ૫થી ૧૦ ટકા જેટલો વધારો થયો છે. જ્યારે ગલગોટાના ભાવમાં ઘટાડો થયો છે અને પારસનાં ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે.
જમાલપુર ફૂલ બજારના ફૂલ વેચનાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે પીળા ફૂલ આશરે ૨૦૦માં વેચાઈ રહ્યા છે, જ્યારે ગુલાબનો હોલસેલ ભાવ ૨૦૦થી ૨૫૦ પ્રતિ કિલો છે. તેમના કહેવા પ્રમાણે, બજારમાં કેટલાંક ફૂલો સસ્તાં મળતાં હોવા છતાં ગ્રાહકોની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે બજારમાં એટલી ભીડ જાવા મળતી નથી.
બીજી તરફ, માતાજીની પૂજા માટે ફૂલ ખરીદવા આવેલા ગ્રાહક ગોસ્વામીભાઈએ જણાવ્યું હતું કે તેઓ મહાકાળી મંદિર માટે ફૂલ ખરીદવા જમાલપુર બજારમાં આવ્યા છે. તેમના જણાવ્યું હતું કે, અહીં ફૂલો સસ્તા ભાવે મળી રહ્યા છે, જેના કારણે પૂજા માટે જરૂરી ફૂલોની ખરીદી કરવી સરળ બની છે.તેમણે જણાવ્યું કે અત્યારે પીળા ફૂલનો ૧૦ કિલોનો જથ્થો આશરે ૨૦૦માં મળી રહ્યો છે. તેઓ ગલગોટા, ગુલાબ અને મોગરા સહિતનાં ફૂલો ખરીદી રહ્યા છે. બજારમાં ગલગોટાની એક માળા ૨૦થી ૪૦માં મળી રહી છે, જ્યારે ગુલાબની માળાનો ભાવ ૧૦૦ સુધી છે.
નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં પૂજા, આરતી અને શણગાર માટે ફૂલોની ખાસ જરૂરિયાત રહે છે. આ ઉપરાંત ઘરોમાં પણ માતાજીની સ્થાપના અને પૂજા માટે લોકો ફૂલો ખરીદે છે. જમાલપુરનું ફૂલ બજાર અમદાવાદના ગ્રાહકો માટે ખરીદીનું મહત્વનું કેન્દ્ર છે. જાકે, આ વખતે ગુલાબના વધેલા ભાવ અને અન્ય ફૂલોની સસ્તી કિંમત વચ્ચે બજારમાં અલગ-અલગ સ્થિતિ જોવા મળી રહી છે.
એક તરફ ગ્રાહકોને ગલગોટા અને પીળા ફૂલ સસ્તા ભાવે મળી રહ્યા છે, તો બીજી તરફ ગુલાબ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. હવે નવરાત્રીના આગામી દિવસોમાં બજારમાં ગ્રાહકી કેટલી વધે છે અને ફૂલોના ભાવમાં કેવા ફેરફાર થાય છે તેના પર વેપારીઓની નજર રહેશે.