ગુજરાતમાં ચોમાસું હજી યથાવત્ છે અને સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસવાની સંભાવના બતાવી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ૧૦૯% વરસાદ નોંધાઈ શકે છે. આ પરિસ્થિતિએ નવરાત્રિના તહેવારને લઈને ખેલૈયાઓમાં ચિંતા ઊભી થઈ છે. ગરબા-ડાંડીયાની મોજ વચ્ચે છત્રી અને રેઇનકોટ સાથ રાખવાની ફરજ પડી શકે છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં પોણા બે ઇંચ અને પોશીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના હિંમતનગરમાં સૌથી વધુ ૪૬ મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ખેડબ્રહ્મામાં ૩ મિમી, વિજયનગરમાં ૮ મિમી, વડાલીમાં ૬ મિમી, ઇડરમાં ૩ મિમી, પ્રાંતિજમાં ૬ મિમી અને તલોદમાં ૧૦ મિમી વરસાદ નોંધાયો હતો.
હાલ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૧૨૫.૩૭% વરસાદ નોંધાયો છે. તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ખેડબ્રહ્મામાં ૧૭૮.૪૪%, વડાલીમાં ૧૭૬.૪૭%, ઇડરમાં ૧૪૪.૬૭%, તલોદમાં ૧૧૧.૭૬% અને હિંમતનગરમાં ૧૦૬.૪૪% વરસાદ નોંધાયો છે.
જળાશયોની સ્થિતિ
જિલ્લાના જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે.
ગુહાઈ ડેમઃ ૯૪.૬૯% ભરાયો છે, હાલ આવક-જાવક નથી.
હાથમતી ડેમઃ ૧૦૦% ભરાયો છે, ૩૬૨૭ ક્યુસેક પાણીની આવક સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.
હરણાવ ડેમઃ ૯૬.૩૧% ભરાયો છે, ૨૩૫ ક્યુસેક પાણીની આવક-જાવક છે.
હાથમતી ડેમમાંથી પાણી છોડાતા હાથમતી નદીમાં સતત સાતમા દિવસે પાણી વહી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીની માટી અને ઠંડકનો માહોલ છે.
અમરેલી જિલ્લાના ધારી અને ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છે. ચલાલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં પાકને પાણી મળતાં ખુશી છવાઈ ગઈ છે.
એક બાજુ ખેલૈયાઓ વરસાદને કારણે નવરાત્રિની મોજ પર પાણી ફરી વળશે કે કેમ તે અંગે ચિંતિત છે, તો બીજી બાજુ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.