નવરાત્રિ એટલે નવદુર્ગાનું પર્વ, આ પર્વ દરમિયાનના ૧૦ દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જે-તે માતાજીના પૂજા-પાઠની સાથે રાતે ખૂબ ઉત્સાહપૂર્વક મન મૂકીને માના રાસ-ગરબા ગવાય છે ને રમાય છે. ત્યારે આ નવરાત્રિમાં આપણે ગુજરાતનાં શક્તિ મંદિરોના દર્શન કરી પાવન થઇએ..
રુકમણિ મંદિર (દ્વારકા)
રુકમણિ મંદિર દેવભૂમિ દ્વારકાથી ૨ કિ.મી.ના અંતરે આવેલું શ્રીકૃષ્ણની મુખ્ય રાણી રુકમણિને સમર્પિત મંદિર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. જો કે, તેના હાલના બાંધકામ પરથી તે ૧૨મી સદીનું હોવાનું લાગે છે. આ મંદિર મહ¥વનું રાષ્ટ્રીય સ્મારક પણ છે.
મંદિરની બાહ્ય દીવાલો પર દેવી-દેવતાના શિલ્પ કોતરેલાં છે અને
ગર્ભગૃહમાં રુકમણિની મૂર્તિ બિરાજમાન છે. મંદિરના સ્તંભો પર માનવ આકૃતિઓ અને હાથીઓનું સુંદર નિરુપણ કરાયું છે. રુકમણિ અને કૃષ્ણના અલગ-અલગ અને એકબીજાથી દૂર રહેલાં મંદિરની રસપ્રદ દંતકથા એવી છે કે, દુર્વાસા ઋષિની વિનંતીથી કૃષ્ણ અને રુકમણિ ભોજન કરવા માટે તેમને જાતે રથમાં ખેંચીને લઇ ગયાં, એ દરમિયાન રસ્તામાં રુકમણિને ખૂબ તરસ લાગી, ત્યારે કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીન પર મૂકી ગંગાનું અવતરણ કર્યું હતું. રુકમણિએ તે પાણી પી પોતાની તરસ છીપાવી. પરંતુ, પોતાને પાણી માટે ન પૂછતાં દુર્વાસાને પોતાનું અપમાન થયું હોય તેમ લાગતાં, તેમણે રુકમણિને તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો.
હર્ષદ માતા મંદિર (કોયલા ડુંગર)
જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોધવી) ગામમાં આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર અનેરું મહાત્મ્ય ધરાવે છે. કોયલા ડુંગરની ટોચ પર અને તળેટીમાં એમ બંને સ્થળે માતાનાં મંદિર આવેલાં છે, આ બંને મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. હાલાર અને સોરઠની સરહદે આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. અહીં સતત એક કલાક યોજાતી મા હરસિધ્ધિની આરતી અતિ અદ્‌ભુત અને જોવા-જાણવા-માણવા જેવી નયનરમ્ય છે. એવું મનાય છે કે, આ આરતી વખતે માતા હરસિદ્ધિ અહીં હાજરાહજૂર હોય છે, તેથી જ અહીંના હિંડોળા માના આગમનની સાથે જ આપોઆપ ઝૂલવા માંડે છે. ત્યારે મંદિરનું વાતાવરણ શાંત અને ભાવવિભોર બની જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી ગણાતાં હરસિદ્ધિ માતાના કોયલા ડુંગર પરના પ્રાગટ્યની કથા છે કે, બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા ભગવાન શ્રીકૃષ્ણએ કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલાં માતાજી કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું, તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે કૃષ્ણએ માતાજીને વિનંતી કરી કે, બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા મારે તમારી સહાયની જરુર છે. ત્યારે માતાજીએ વચન આપ્યું કે “જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જાવ, ત્યારે દરિયા કિનારે ઊભા રહી મારું સ્મરણ કરજો. હું અચૂક તમારી મદદે આવીશ.” માતાજીના આશીર્વાદ મળતાં છપ્પનકોટિ યાદવો સાથે શ્રીકૃષ્ણએ કોયલા ડુંગરની ટોચ પર મા હરસિદ્ધિનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પરના મંદિરે જવા માટે ૪૦૦ પગથિયાં છે. ડુંગર પર પહોંચી માના દર્શન કરનારને માતાનાં દર્શનની સાથે પ્રકૃતિનું અનેરું સ્વરૂપ પણ માણવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે.
ડુંગરની ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પૌરાણિક કથા ઘણી રસપ્રદ છે. એક લોકવાયકા મુજબ દરિયામાં વેપાર કરવા માટે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાના મંદિર સામે આવે ત્યારે માતાનું સ્મરણ કરી દરિયામાં નાળિયેર પધરાવ્યા પછી જ આગળ વધે છે, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિÎને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા પોતાનાં સાત વહાણમાં માલ ભરી વેપાર કરવા નીકળ્યા, પણ માતાની સન્મુખ તેમનાં વહાણ આવતાં તેઓ માતાજીને આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ તો ડૂબી ગયાં પણ સાતમા વહાણને બચાવવા જગડુશાએ માતાને ભાવભીની પ્રાર્થના કરતા, માતાએ પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું. તો જગડુશાએ કહ્યું, ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.’ માતાએ જગડુશાની કસોટી કરવા કહ્યું, ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાની શરત માની દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી જતા જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. અંતે માતાજીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઇ જગડુશા, દીકરો, બંને પત્ની તથા તમામ બલિને સજીવન કર્યા અને શેઠ જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં નિર્માણ કરાવ્યું.
sanjogpurti@gmail.com