મોટાભાગે સરકાર દ્વારા જનકલ્યાણ અર્થે સંચાલિત કોઈપણ સેવા હોય તેમાં લગભગ નુકસાન અથવા નફાનું પ્રમાણ નહિંવત જોવા મળતું હોય છે. પરંતુ ભાવનગર શહેરમાં રાજ્યના એસ.ટી વિભાગ હેઠળની એસટી વિભાગીય કચેરી હેઠળની તમામ એસટી બસો આવક મેળવવામાં સફળ રહેવા પામી છે. ભાવનગર એસટી વિભાગીય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪ના ઓગસ્ટ માસની સરખામણીમાં ૨૦૨૫-ઓગસ્ટ માસમાં વધુ કમાણી તેમજ વધુ પેસેન્જર અને નફો પ્રાપ્ત કર્યો હોવાનું જાહેર કર્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત ભાવનગર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪ અને ૨૫ના ઓગસ્ટ માસને લઈને સંચાલન કરેલા કિલોમીટર અને રિઝર્વેશન સહિતની કુલ પેસેન્જરની આવકનો તફાવત રજૂ કર્યો છે. એસટી વિભાગના ભાવનગર વિભાગ દ્વારા જાહેર કરાયેલા સંચાલન કરેલા કિલોમીટર ઓગસ્ટ ૨૦૨૪માં ૪૪,૫૪,૦૦૦ હતા. જેની સામે ઓગસ્ટ ૨૦૨૫ માં ૪૭,૬૧,૦૦૦ કિલોમીટર થવા પામ્યા છે. આમ ૩,૦૬,૦૦૦ કિલોમીટરનું વધુ સંચાલન કર્યું છે.

ભાવનગર એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૪ ઓગસ્ટમાં ઓનલાઈન રિઝર્વેશનથી થયેલી કુલ સીટો ૧,૮૨,૯૫૩ હતી. જ્યારે વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં આ સીટો ૨,૦૧,૩૦૫ થવા પામી છે. આમ ૧૮,૩૫૨ સીટોનો વધારો ગત વર્ષની સરખામણીમાં થવા પામ્યો છે. જ્યારે ઓનલાઇન રિઝર્વેશનથી થયેલી આવક જોઈએ તો વર્ષ ૨૦૨૪ ઓગસ્ટમાં ૩,૨૯,૫૩,૬૫૮ આવક થઈ હતી. જે વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં ૪,૦૫,૮૬,૬૫૮ થવા પામી છે.આમ ૭૬ લાખ ૩૩ હજારનો સીધો ફાયદો ગત વર્ષની સરખામણીએ થયો છે.

ભાવનગર એસટી વિભાગે ૨૦૨૪ ઓગસ્ટમાં પ્રતિ કિલોમીટરની આવક અને મુસાફરોની સંખ્યાને પણ જાહેર કરી છે. જેમાં જોઈએ તો પ્રતિ કિલોમીટર ૨૦૨૪ ઓગસ્ટમાં ૨,૬૮૫ પૈસા આવક હતી, તે વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં ૨૯૪૦ પૈસાની આવક મેળવી છે. આમ પ્રતિ કિલોમીટર ૨૫૫ પૈસાની વધુ આવક વર્ષ ૨૦૨૪ ઓગસ્ટની સરખામણીએ વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં વધુ મેળવી છે. જ્યારે મુસાફરોની સંખ્યા વર્ષ ૨૦૨૪ ઓગસ્ટમાં ૨૧,૫૬,૦૦૦ હતી. જે વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં ૨૨,૦૧,૦૦૦ થવા ગઈ છે. આમ ૪૫,૦૦૦ વધુ મુસાફરો પ્રાપ્ત કરવામાં એસટીએ સફળતા પ્રાપ્ત કરી છે. જો કે એસટી દ્વારા વર્ષ ૨૦૨૪ ઓગસ્ટમાં થયેલો ખર્ચ અને વર્ષ ૨૦૨૫ ઓગસ્ટમાં થયેલા ખર્ચને લઈને કશું જાહેર કર્યું નથી.