પવિત્ર રમજાન માસ હવે અંતિમ ચરણોમાં પહોંચ્યો છે અને મુસ્લિમ સમાજમાં ઈબાદત અને બંદગીનો માહોલ વધુ ગાઢ બન્યો છે. ધાર્મિક જાણકારો મુજબ આ વર્ષે રમજાનના ૩૦ રોજા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે જો ૩૦ રોજા થશે તો ૩૦મો રોજો અને જુમતુલ વિદા એક સાથે આવવાની શક્યતા છે, જેને કારણે મુસ્લિમ સમાજમાં ખાસ આત્મીયતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રમજાનના છેલ્લા દસ દિવસોને ખુબ જ અફઝલ માનવામાં આવે છે. આ દિવસોમાં લોકો વધુમાં વધુ નમાજ, કુરઆન તિલાવત, દુઆ અને ઈબાદતમાં સમય પસાર કરી રહ્યા છે. મસ્જિદોમાં તરાવીહ અને નમાજે શબીનાના કાર્યક્રમો પણ ભક્તિભાવ સાથે યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે. બીજી તરફ, રમજાન અંતિમ ચરણમાં પહોંચતા બજારોમાં પણ ભારે રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ખજૂર, સુકા મેવા અને ઈદની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી રહ્યા છે. વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.






































