ધોરાજી ખાતે આવેલી આદર્શ સ્કૂલના પટાંગણમાં શાળાના નિવૃત્ત પ્રિન્સિપાલ અને જાણીતા કવિ સુખદેવસિંહ ગોહિલ દ્વારા લિખિત બે પુસ્તકોનો વિમોચન સમારોહ યોજાયો હતો. સાહિત્યકારો, લેખકો અને નગરજનોની ઉપસ્થિતિમાં ‘સંધ્યાનો ઉજાસ’ અને ‘છાત્રોને સંબોધન’ એમ બે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે આદર્શ સ્કૂલના ટ્રસ્ટી અને ગવર્મેન્ટ પ્લીડર કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે, કવિ અને શિક્ષક સુખદેવસિંહ ગોહિલે તેમના ૪૪ વર્ષના કાર્યકાળમાં વિદ્યાર્થી ઘડતરની સાથોસાથ સમાજ ઘડતર માટે પણ ખૂબ કાર્ય કર્યું છે. આ વિમોચન પ્રસંગે રૂપાયતન સંસ્થાના રમેશભાઈ મહેતા, પ્રોફેસર જયંતભાઈ કોરડીયા, ડોક્ટર બી.બી. જાની, પારેખભાઈ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ કોરડીયાએ કર્યું હતું.









































