ધોરાજી ખાતે ન્યાયાલયમાં નેશનલ લોક અદાલત કાર્યક્રમ યોજાયો હતો. આ લોક અદાલતમાં વાહન અકસ્માતના કુલ ચાર કેસમાં સમાધાન થયેલું, જે તમામ કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓના સહકારથી રૂ.૧ કરોડ ૪૮ લાખ ૪૦ હજાર વળતર પેટે ચૂકવાયા હતા. તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરપર્સન અને ધોરાજીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુનિલકુમાર વાઘે જણાવ્યું હતું કે, નેશનલ લોક અદાલતના ઊંડા હેતુ સિદ્ધ કરવા માટે ધોરાજી વકીલ મંડળના સાથ સહકારથી ૨૯૬ કેસ આજરોજ ફેશલ થયા છે. જેમાં વેપારીઓના લેણા અંગેના ચેક રિટર્નના કેસમાં લગભગ રૂ.૭૦ લાખથી વધારે રકમના સમાધાન થયા છે અને અન્ય ગુનાઓમાં પણ આરોપી પક્ષે કબુલાત આપતા સરકારને દંડની આવક થયેલી છે. આ પ્રકારે બધાના સાથ સહકારથી ધોરાજી કોર્ટના આશરે ૧૫% જેટલું લીટીગેશન પણ ઓછું થયું છે. સાથોસાથ જજ સુનિલ કુમાર વાઘે જણાવેલ કે રાષ્ટ્રીયકૃત બેંકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના પણ પ્રી-લીટીગેશન લોક અદાલતનું આયોજન હતું, જેમાં ૪૭ કેસમાં સમાધાન થયેલું હતું. જેથી ધોરાજી કોર્ટમાં ૪૭ કેસ ફાઈલ થતા પહેલા જ સમાધાન થઈ ગયું અને ખરા અર્થમાં લોક અદાલતનો હેતુ પક્ષકારો અને વકીલોના સહકારથી સિદ્ધ થયો.