ધોરાજી તાલુકા વિસ્તારના જમનાવડ ગામે રહેતી પરિણીતાને એક શખ્સે ફોટો વાયરલ કરવાની ધમકી આપી બિભત્સ માંગણી કરતા પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરેલ. પરિણીતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તાલુકા પોલીસે તેનું નિવેદન નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહિલાની ફરિયાદ મુજબ તેઓ લગ્ન બાદ એક સંતાન અને પતિ સાથે જમનાવડમાં ભાડાના મકાનમાં રહે છે. જ્યાં બાજુમાં રહેતા મિતેશ રાજુભાઈ સારીખડાએ પરિણીતાના અમુક ફોટા પોતાની પાસે હોવાનું જણાવી પરિણીતા સાથે દોસ્તી બાંધવા દબાણ કર્યું હતું. પછી તેણે રાત્રિના સમયે ઘરે એકલતાનો લાભ લઈ પરિણીતા પાસે બિભત્સ માંગણી કરી હતી અને ફોટો વાયરલ કરવાની ચીમકી આપતો હતો. આ મામલે પરિવારના લોકોને જાણ થતા સાસરિયા દ્વારા પરિણીતાને તેમના માવતર મોકલી અપાઈ હતી. જ્યાં આ બાબતને લઈ મહિલા એ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.








































