ધારીમાં વેચાણ કરારથી ખરીદેલી ફોરવ્હીલ કાર બાબતે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજયકુમાર મનસુખભાઇ દાફડા (ઉ.વ.૩૦) એ મયુરભાઇ ઉર્ફે સન્ની વસંતભાઇ સાંડીશ રહે.સુરત તથા મુસ્તુફાભાઇ ભંગારી રહે.ભાવનગર સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે EON MAGHNA PLUS કંપનીની એક ફોરવ્હીલ કાર (રજી. નં.GJ-૦૧-RB-૧૬૨૩) વેચાણ કરારથી ખરીદી હતી. આ દરમિયાન તેમના સંબંધી મયુરભાઇ ઉર્ફે સન્ની વસંતભાઇ સાંડીશએ તેમનો વિશ્વાસ જીતી, થોડા દિવસ કામ માટે કારની જરૂર છે તેમ કહી ગાડી અને તેની ઓરિજિનલ આર.સી. બુક સાથે લઈ ગયા હતા. થોડા દિવસ માટે કાર લઈ ગયા બાદ તેમણે કાર પરત સોંપી નહોતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ તેમની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી રૂ.૧,૩૫,૦૦૦/- ની કિંમતની આ ગાડી બારોબાર વેચી દીધી હતી. મુસ્તુફાભાઇ ભંગારીએ ગાડીના સાચા માલિકની ખરાઈ કર્યા વગર અથવા ગાડી વિશ્વાસઘાતનો મુદ્દામાલ હોવાનું જાણવા છતાં તે ખરીદી લીધી હતી.