અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરઝર ગામે પડોશી દ્વારા ટ્રેક્ટરને નુકસાન પહોંચાડવાની એક અજીબ ઘટના સામે આવી હતી. ઘર સામે પાર્ક કરેલા ટ્રેક્ટરની પાઈપો તિક્ષ્ણ હથિયાર વડે કાપી નાખતા પડોશી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મુકેશભાઇ નાગજીભાઇ ભેસાણીયા (ઉ.વ.૪૬)એ ડાયાભાઇ ગોકળભાઇ ભેસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
મોરઝર ગામના મુકેશભાઇ નાગજીભાઇ ભેસાણીયા પાસે ૨૦૨૪ના મોડલનું કેપ્ટન ટ્રેક્ટર ૨૫૦ ડ્ઢૈં (રજી. નં. જીજે-૧૪-બીજી-૧૦૮૫) છે, જે તેઓએ પોતાના મકાન સામે જાહેર રસ્તા પર પાર્ક કર્યું હતું. દરમિયાન, ફરિયાદીની સામે જ રહેતા ડાયાભાઇ ગોકળભાઇ ભેસાણીયા નામના શખ્સે ટ્રેક્ટર પાસે જઈ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે ટ્રેક્ટરની પાઈપો કાપી હોવાનું સામે આવ્યું હતું. તેમણે જ્યારે પોતાના ઘર પાસે લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા, ત્યારે પડોશી ડાયાભાઇ ટ્રેક્ટર પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા અને પાઈપો કાપી રહ્યા હોય તેવું કેમેરામાં સ્પષ્ટ દેખાયું હતું. આરોપીએ ટ્રેક્ટરની ડીઝલની પાઈપ તથા દવા છાંટવાની પ્રેસર પાઈપ તોડી નાખી હતી. નવા નક્કોર ટ્રેક્ટરમાં આશરે રૂ. ૨૧,૦૦૦ નું નુકસાન થતા તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ડાયાભાઇ ભેસાણીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીરાજભાઇ પ્રતાપભાઇ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.