ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આઈસર ટેમ્પો પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. લોખંડની ટોમી, કડા અને લાકડાના ધોકા વડે કરાયેલા આ હુમલામાં ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૨ ટાંકા લેવા પડ્‌યા હતા. નરેશભાઇ ભુપતભાઇ બજાણીયા (ઉ.વ.૩૨)એ ગોપાલભાઇ સોંડાભાઇ સુસરા, મેહુલભાઇ હમીરભાઇ સુસરા, ઘોહાભાઇ કાથડભાઇ બાંભવા તથા રવિભાઇ ચતુરભાઇ સુસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તેનો આઈસર ટેમ્પો બજારમાં પાર્ક કર્યો હતો, જે ગોપાલભાઇ સોંડાભાઇ સુસરાને અવરજવરમાં નડતો હોવાથી ત્યાં ન મૂકવા માટે અગાઉ સૂચના આપી હતી. ગત તારીખ ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ તેમના ડ્રાઈવરે ફરીથી ટેમ્પો ત્યાં જ પાર્ક કર્યો હતો. તેઓ આ વાતથી અજાણ હોવા છતાં, આરોપીઓએ જૂનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમને લોખંડની ટોમી વડે ફરિયાદીના માથામાં બે ઘા ઝીંકી દીધા હતા.તેમજ લોખંડના ધારદાર અણીવાળા કડા વડે માથામાં પ્રહાર કર્યો હતો. ઉપરાંત લાકડાના ધોકા વડે માથામાં અને શરીર પર આડેધડ મૂઢ માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓ તેમન જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.