એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા મચ્છુન્દ્રી ગંગા કિનારે પરંપરાગત ભવ્ય જળઝીલણી મહોત્સવનું આયોજન થયું હતું. છેલ્લા ચાર દાયકાથી સતત ઉજવાતા આ મહોત્સવમાં આ વર્ષે પણ પુજ્ય માધવપ્રિયદાસજી તથા પુજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં નાઘેર પંથકના હજારો ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. ગુરુકુલ પરિસરમાં ઠાકોરજીની શોભાયાત્રા બાદ નદી કિનારે ભગવાનનું વિશેષ પૂજન તથા આરતી કરવામાં આવી. આ પ્રસંગે સંતોએ ઉત્સવનો મહિમા સમજાવતાં પ્રકૃતિના રક્ષણ અને નદી-સરોવરની પવિત્રતા જાળવવાની પ્રેરણા આપી હતી. આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલ મહોત્સવમાં અંદાજે ૫૦૦૦થી વધુ ભક્તોને પ્રસાદરૂપે ભોજન અપાયું હતું. સાથે જ દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ભવ્ય મેળાનું આયોજન પણ થયું, જેમાં આજુબાજુના ગામોના લોકોએ ઉમંગભેર હાજરી આપી હતી. એકાદશીના પવિત્ર અવસરે મેળામાં ધાર્મિક ઉલ્લાસ અને લોકમેળાનો રંગ જોવા મળ્યો હતો.