રાજકોટના રૈયાધાર પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં મનસુખભાઈ ટાંક નામના ૭૩ વર્ષીય વૃદ્ધના ઘરમાં આગ લાગતા ધુમાડા નીકળતા હોવાની જાણ પાડોશીઓ તેમજ સગા સંબંધીઓ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે વૃદ્ધના ઘરમાં અંદર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ જાઈ હતી. જેથી સમગ્ર મામલાની જાણ સ્થાનિક યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ જરૂરી પંચનામાં સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું મૃત્યુ આકસ્મિક નહીં પરંતુ તેમના માથાના ભાગે બોથડ પદાર્થના એકથી વધુ ઘા મારવામાં આવ્યા હોવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ એક વાત સ્પષ્ટ હતી કે વૃદ્ધની હત્યા થઈ છે. ત્યારે વૃદ્ધની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ જાણ ભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસને લાગી રહ્યું હતું. કારણ કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વૃદ્ધની કોઈ સાથે દુશ્મનાવટ ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોતે એકલવાયું નિવૃત્ત જીવન જીવતા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. તો સાથો સાથ ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસને હાથે લાગેલા સીસીટીવી ફૂટેજમાં મૃતકનો દોહિત્ર બનાવના દિવસે બે વખત મૃતકના ઘરે આવ્યો હોવાનું તેમજ તેની એક્ટિવિટી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા મૃતકના દોહિત્ર હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે જ પોતાના નાનાની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
પોલીસે હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરતા તેને જણાવ્યું હતું કે, અગાઉ તેણે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ માંથી ૧૨ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે દાગીના તેણે રાજકોટના પેડક રોડ પર આવેલી ૐમ્હ્લઝ્ર બેંકમાંથી ૮,૬૫,૦૦૦ની ગોલ્ડ લોન લીધી હતી. જે રૂપિયા માંથી તેણે પોતાનું પાંચ લાખનું દેવું ચૂકવ્યું હતું. તેમજ બાકી રહેલ પૈસા માંથી મોંઘુ દાટ બાઇક ખરીદ કર્યું હતું. તેમજ બાકીના પૈસા કે પોતે ઓનલાઈન ગેમ્બલિંગમાં હારી ગયો હતો. જે તે સમયે હર્ષ સોલંકીને છોડાવવા માટે તેના પિતાએ આઠ લાખ રૂપિયાની વ્યવસ્થા પોતે કરી હતી. તેમજ બાકીના ચાર લાખ રૂપિયાની વ્યવસ્થા તેમણે પોતાના સસરા એટલે કે મૃતક મનસુખ ટાંક પાસેથી કરી હતી. જે ચાર લાખ રૂપિયાની સામે પ્રતિ માસ હર્ષ સોલંકીના પિતા પોતાના સસરા મનસુખભાઈને ?૪,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. હર્ષ ઘરફોડ ચોરીમા પકડાયો હોવાના કારણે મૃતક મનસુખભાઈ તેને કહેતા હતા કે તે સમાજમાં મારા નામની બદનામી કરી છે. આમ અવારનવાર તેને મેણા ટોણા પણ મારતા હતા. તો સાથો સાથ હર્ષ દ્વારા પણ પોતાના નાના પાસેથી ?૩૫,૦૦૦ વ્યાજ પર લીધા હતા. જેની સામે તે પણ પોતે પ્રતિમાસ ૧૮૦૦ રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. ત્યારે જા નાનાનું અવસાન થઈ જાય તો તેણે રૂપિયા ન ચૂકવવા પડે, તેવું માનીને પોતાના જ નાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં હર્ષ સોલંકીએ જણાવ્યું હતું કે, પોતાના નાનાની હત્યા કઈ રીતે કરવી તે માટે તેણે કેટલીક ક્રાઈમ સિરીઝ જાઈ હતી. તેમજ ગુનો આચર્યા બાદ સ્થળ પરથી કઈ રીતે પુરાવાનો નાશ કરી શકાય તેનું પણ જ્ઞાન તેણે ઓનલાઈન મેળવ્યું હતું. તેના માટે કેટલીક વેબ સિરીઝતો સાથો સાથ કેટલાક ઓટીટી પ્લેટફોર્મનો પણ તેને ઉપયોગ કર્યો હતો. સાત તારીખના રોજ સૌ પ્રથમ હર્ષ સોલંકીએ માધાપર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ ખાતેથી બોટલમાં પેટ્રોલની ખરીદી કરી હતી. તેમજ ત્યારબાદ તે પોતાના નાના નાના ઘરે ગયો હતો. પરંતુ લોકોની ચહલપાલ હોવાના કારણે તેણે સવારના સમયે હત્યા કરવાનું માંડી વાળ્યું હતું. તેમજ બપોરના સમયે જ્યારે લોકો સૂતા હોય તેમજ લોકોની ચહલપહલ ન હોય તેવા સમયની તેણે પસંદગી કરી હતી. બપોરના સમયે પોતાના નાનાના ઘરમાં ઘૂસીને પોતાના નાનાની લોખંડના હથિયાર વડે હત્યા કરી હતી. તેમજ ત્યારબાદ પોતાની પાસે રહેલ પેટ્રોલ વડે પોતાના નાનાની લાશને તેમજ પોતાના નાના જે ડાયરીમાં પોતાનો હિસાબ કિતાબ રાખતા હતા તેને પણ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાદમાં કોઈને પૈસા આપવા ન પડે. પોલીસની પ્રાથમિક તપાસમાં હર્ષ સોલંકીએ બીકોમનો અભ્યાસ બીજા વર્ષમાં જ છોડી દીધો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે જુગારની તેમજ મોંઘા મોબાઈલ ફોન અને મોંઘા બાઇક વાપરવાનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે. હર્ષ સોલંકી છેલ્લા ત્રણ-ચાર મહિનામાં જુગારમાં ચાર લાખ રૂપિયા જેટલી રકમ હારી ચૂક્્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતાના ક્રેડિટ કાર્ડ માંથી એક લાખ રૂપિયા જેટલી રકમ પણ પોતે ઉપયોગમાં લઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આમ, વધુ પૈસાની જરૂરિયાત તેમજ અગાઉ લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવવા ન પડે તે માટે તેણે પોતાના જ નાનાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.