અવારનવાર નાસ્તિક લોકો દ્વારા ઈશ્વર છે કે નહિ? એવા પાયાવિહોણા તર્ક થતા હોય છે. અને જાણી જોઈને આ વિષય ઉપર એકદમ પાયાવિહોણો અને ભ્રમિત કરી દે તેવો નેરેટીવ સેટ કરવા માટે અમુક ચોક્કસ પ્રકારના ધર્મ વિરોધી અને આસ્થા વિરોધી લોકોનો સમુદાય કામ કરી રહ્યો છે. આ વાંચીને આપણને પણ એક સવાલ ચોક્સ થશે કે વાસ્તવિકતા શું છે? આપણે આનો જવાબ કેવી રીતે આપી શકીએ. પરંતુ મિત્રો, ઈશ્વરના પારખા ના કરાય તેમનામાં શ્રદ્ધા રખાય. છતાંય આપણને તો શું સમગ્ર વિશ્વને પણ જયારે કોઈપણ મૂંઝવણ આવે છે ત્યારે તે તેમનો જવાબ શોધવા આપણી સુવર્ણભૂમિ ભારતમાં જ આવે છે. તો ચાલો આપણે પણ આપણા શાસ્ત્રો અને આપણા ઇતિહાસના પન્ના ફંફોળીએ અને આનો સચોટ જવાબ શોધીએ. સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…“આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું છે ? શું પરમ કૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?”
વિદ્યાર્થી – “હા સાહેબ.” પ્રોફેસર –“તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?”
વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી. “સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?” પ્રોફેસરે સંમતિ આપી..
વિદ્યાર્થી – “શુ ઠંડી જેવું કાઈં હોય છે ?”
પ્રોફેસર- “ચોક્કસ હોય છે..”
વિદ્યાર્થી -“માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.”
વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન કર્યો…
“શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?”
પ્રોફેસર – “હાસ્તો, ધરાવે છે…”
વિદ્યાર્થી –“સાહેબ તમે આ વખતે પણ ખોટા છો. ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી. ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે. જેવુ અજવાળુ આવશે એટલે તરત જ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી. તેવી જ રીતે શેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ, વિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે. જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે. આ વિદ્યાર્થીનું નામ હતું સ્વામી વિવેકાનંદ. મિત્રો આવા તેજસ્વી અને મહાપુરુષો આ ભૂમિમાં અવતર્યા છે અને હર સમયે આવા મહાપુરુષો આ ભૂમિ ઉપર જ એ માટે અવતરે કારણ કે આ ભૂમિ વિશ્વને રાહ ચિંધનારી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દુનિયામાં આપણી હાર, આપણો ડર એ આપણો ભગવાન પરનો વિશ્વાસ કેટલો છે એ સાબિત કરે છે. માટે આવો સૌ સાથે મળીને ભારતને ફરીવાર ભવ્ય બનાવીએ અને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ.