‘વાડ જ ચીભડા ગળે’ તે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો દાહોદમાં બન્યો છે. દાહોદ જિલ્લાને અડીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય આવેલું છે, જેના કારણે બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ માર્ગો ઉપરથી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. જેને પગલે પોલીસ સતત બુટલેગરોની વોચમાં રહેતી હોય છે ત્યારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂ ઝડપી પાડવા માટે કટિબદ્ધ રહેતી પોલીસ જ બુટલેગર બની ગઈ અને દારૂની હેરફેર કરવા લાગ્યા. ચાકલીયા પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપી પાડવા એલસીબી સહિતની ટીમોએ વોચ ગોઠવી હતી, પરંતુ દારૂ સાથેની ગાડી મૂકી ત્રણેય પોલીસકર્મીઓ ભાગવામાં સફળ થયા હતા. તહેવારોને અનુલક્ષીને તેમજ આંતરરાજ્ય સરહદી જિલ્લો હોવાને પગલે એલસીબી સહિતની પોલીસ ટીમો દારૂની હેરફેર ઉપર વોચ રાખતી હોય છે. ગતરોજ ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ એલસીબી, ઝાલોદ પોલીસ અને ચાકલીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા છે અને પાછળ ટાટા પંચ કારમાં ચાકલીયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ વિદેશી દારૂનો જથ્થો લઈને લીમડી તરફ આવી રહ્યા છે. બાતમી મળતા એલસીબી ચાકલીયા પોલીસ અને ઝાલોદ પોલીસે વોચ ગોઠવાઈ હતી. દરમિયાન અલ્ટો કાર આવતા તેને રોકવા માટે ઈશારો કર્યો પરંતુ ભાગી છૂટ્યા હતા અને પાછળથી ટાટા પંચ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પણ લઈને પૂરઝડપે ભાગી ગયો હતો. જેને પગલે પોલીસની ટીમોએ પીછો કરતા આગળ એક ગટરમાં ગાડી ઉતરી ગઈ હતી, જેથી કાર ચાલક હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા ડિક્કીમાંથી 66 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત 5.66 લાખનો મુદ્દામાલ કબજે કરી બે હેડકોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાકલીયા પોલીસ મથક મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરતા રસ્તા ઉપરનું પહેલું જ પોલીસ મથક છે અને ત્યાંથી દારૂ તથા ગેરકાયદે હેરફેર રોકવા માટે પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. ત્યારે એ જ પોલીસ મથકના પોલીસકર્મીઓ દારૂની હેરફેરમાં સંડોવાયા છે. જે પોલીસ મથકમાં નોકરી હતી એ જ પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.