દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, જેના પગલે અવારનવાર બંને રાજ્યોમાંથી બૂટલેગરો અવનવા કિમિયા અપનાવી દાહોદ જિલ્લામાં થઈ ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડતા હોય છે. દાહોદ પોલીસ બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનો ઉપર વોચ રાખી અનેક વખત બૂટલેગરોનો મનસૂબા પર પાણી ફેરવી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે ત્યારે આજે કતવારા પોલીસને વધુ એક સફળતા મળી હતી.
મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરતા જ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર પહેલું જ પોલીસ મથક કતવારા આવે છે. જેને પગલે આંતરરાજ્ય સરહદ નજીક ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસની ટીમ તૈનાત હતી અને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકીંગ કરી રહી હતી. દરમિયાન હરિયાણા પા‹સગનું એક કન્ટેનર આવતા તેને અટકાવી ‘અંદર શું ભરેલું છે?’ તે બાબતે પૂછતા ચાલકે “સીટો ભરેલી છે” તેમ કહી ગોળ ગોળ જવાબ આપતા પોલીસને શંકા ગઈ હતી. કન્ટેનરની તપાસ કરતા બોક્સમાં સીટો ભરેલી હતી તેને હટાવીને નીચે જાયું તો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
પોલીસે બાડમેર જિલ્લાના ઘનારામ ડુગેર અને અણદારામ ડાયલની અટકાયત કરી દારૂના જથ્થાની ગણતરી કરતા ૫૮.૫૩ લાખની કિંમતની ૬૭૫ પેટીઓ મળી આવી હતી પોલીસે ટ્રક સહિત ૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે દારૂ વેચનાર ગાડીમાં ભરાવી આપનાર અને વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર તેમજ કન્ટેનરની સાથે રહેલા બે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી બેની ધરપકડ કરાઈ છે, જ્યારે બાકીના ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.







































