હમણા ડો. તરલિકા ત્રિવેદીએ તેમની ફેસબુક વોલ ઉપર થાંથા શબ્દ વિશે ઘણું સારું સમજાવ્યું. થાંથા એટલે- ધીમે કામ કરવાવાળા, સુસ્ત, મંદ ગતિ! ઠંડા, જડ અને પાછળ રહી જાય એવા. Quick Sense વાળા નહિ! પોતાની મેળે ઝટ સમજી કે ચાલી કામ કરી શકે તેવું તેજ કે ચકોર નહિ એવું; બોથડ; આળસુ. અને આળસુ હોવાને લીધે મેલું; ગંદું; ગોબરૂં; ટાપટીપ કે સફાઈ વગરનું. સહેજ કામ કરતાં વાર લગાડયા કરે એવું; ચાપાચીપ કરનારૂં. કામકાજમાં થોથવાયા કરતું, મંદતા કે શિથિલતાના આંચકા આવવાની સ્થિતિનું વગેરે વગેરે… હું રાજીનો રેડ એટલા માટે થઈ ગયો કે આવા વિલૂપ્ત થઈ ગયેલા શબ્દો પણ હજી કોઈને યાદ છે અને તે ભાવપૂર્વક તેના વિશે લખે પણ છે.
પણ એમાં એક શબ્દનો ઉમેરો હું કરું છું. એ છે થાંથાથૈયા. થાંથા ઉપરથી આ સાધિત શબ્દ છે. આ શબ્દ મારા મધર બહુ જ સહજતાથી વાપરતા. મારા મધરે મને બાજરી વાઢવાનું અથવા લસણ ફોલવાનું કે શાક સમારવાનું કે એવું કોઈપણ કામ સોંપ્યું હોય અને હું તેમાં ધારેલા સમય કરતા વધારે વાર લગાડું તો તેઓ મને કહેતાંઃ ‘થાથા કર માં, જટ કર…’
પણ એમને જો એવો ખ્યાલ આવી જાય કે જે કામ એમણે મને સોંપ્યું છે એ કામ હું હાથે કરીને મોડું કરી રહ્યો છું અને કામ કરવામાં મારી ખોટી દાનત છે, અથવા કામમાં મારો જીવ નથી અને મોડું થઈ રહ્યું છે, તો એ કહેતાઃ ‘ નાણિયા, આટલા લાકડા કાપવામાં કંઈ આટલી બધી વાર ન લાગે. હાલ્ય, ફટાફટ કુહાડી માર. થાંથાથૈયાં કરવાનું બંધ કર… આટલા બળતણ કાપીને કાળી કરી દે, પછી તું છુટ્ટો…’
મને લાગે છે કે થાંથાથૈયા શબ્દ ‘તાતાથૈયા’ ઉપરથી આવ્યો છે. સંગીતની આ સ્લો રીધમ છે. કોઈ માણસ કોઈ કામ કરી આપવામાં ટગાવતો હોય અથવા તો લબડાવતો હોય તો લોકો કહે છેઃ ‘ઈ થાથાથૈયા કરે છે, આ કામ બીજાને આપી દો.’
ક્યાંક બહાર જવાનું હોય અને મારા મા તૈયાર થતા હોય કે થેલીમાં વસ્તુઓ ગોઠવતા હોય કે ઘરની વસ્તુઓ સરખી મૂકતા હોય, એવું બધું કરતાં હોય ત્યારે મારા આઈ કહેતા- ‘હાલો હવે, થાથાંથૈયા કરો મા, ઝટ નીકળો…’
હું માનું છું કે આમાં થાંથાથૈયાની જગ્યાએ ‘તાતાથૈયા’ આસાનીથી રિપ્લેસ કરી શકાય.
અમે પણ નાના હતા ત્યારે કોઈની લખોટી કે કોઈ રમકડું કોઈ છોકરા પાસેથી લઈ લીધું હોય અને તે પાછું આપવામાં ડાંડાઈ કરવી હોય તો ‘નથી આપવું’ એમ કહેવાને બદલે અમે નાચતાં નાચતાં કહેતાંઃ ‘તાક્ થૈયા થૈયા, તાક થૈ… તાક્ થૈયા થૈયા, તાક થૈ…’
આ સંગીતિક જવાબમાં પણ ક્યાંક ‘થાથાથૈયા’ જ છુપાયેલું હોવાનો ભાવ મને સમજાય છે.
ઠાગાઠૈયા પણ થાથાથૈયાનો સમાનાર્થી જ છે. (જાણીતું કાવ્ય ઉદાહરણઃ ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબર બા આવું છું.) પણ બંને વચ્ચે થોડો અર્થભેદ છે. ઠાગાઠૈયામાં રમુજમાં અથવા તો બનાવટના ઇરાદે વિલંબ કરવામાં આવે છે. જ્યારે થાથાથૈયામાં રમુજ કે બનાવટના ઈરાદા ઉપરાંત અણઆવડત કે ભોળપણના કારણે પણ વિલંબ હોઈ શકે. ઠાગાઠૈયા કરનાર વ્યક્તિ સ્માર્ટ હોય જ્યારે થાથાથૈયા કરનાર વ્યક્તિ સ્માર્ટ હોય પણ ખરો અને ન પણ હોય. તેથી દરેક ઠાગાઠૈયાને થાથાથૈયા કહી શકાય પરંતુ દરેક થાથાથૈયાને ઠાગાઠૈયા કહી શકાય નહીં. ( આ ચર્ચા બહુ જ સમૃદ્ધ બની છે તેથી મને શબ્દકોશ વીંખોળવાનું મન થયું. ‘ભગવદ્ગોમંડળ’માં થાથાથૈયા શબ્દનો સમાવેશ કરાયો છે. ઘણા લોકો થા ઉપર અનુસ્વાર કરીને ‘થાંથાથૈયા’ લખે કે બોલે છે પણ ‘ભગવદ્ગોમંડળ’ અનુસાર તેની જોડણી ‘થાથાથૈયા’ છે. આ ચોક્કસ સ્પેલિંગની મને પણ ખબર ન હતી પરંતુ ડો. તરલિકા ત્રિવેદીએ છેડેલી ચર્ચાને કારણે ભગવદ્ગોમંડળ વીંખોળવાથી મારા જ્ઞાનમાં સુધારો થયો. આ વાંચવાથી તમારા જ્ઞાનને પણ સુધારાનો એક ડોઝ ન મળ્યો હોય તો કે’જો; એક બીજો ડોઝ તૈયાર કરી આપીશ.
( આ હેડિંગમાં લાલાલૈયા લખ્યું છે એ શું છે એ તો કોઈએ પૂછ્યું જ નહીં ! ના ભૈ ના, એ કંઈ નથી. ખાલી પ્રાસ મેળવવા માટે લખ્યું છે. એ કંઈ હોય તો તપાસ કરશું. ભગવદ્ગોમંડળમાં આપણે જોઈએ ત્યારે આપણે જે કંઈ નથી એમ માનતા હોઈએ એ પણ કંઈક હોય છે!)
naranbaraiya277@gmail.com