પશુપાલન જગતમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢ શહેરમાં અશ્વોમાં અતિ જાખમી ગણાતો ‘ગ્લેન્ડર્સ’ રોગ જાવા મળતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. આ રોગ માત્ર અશ્વો માટે જ નહીં, પરંતુ મનુષ્યો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવ્યા છે.
જૂનાગઢમાં એક અશ્વમાં ગ્લેન્ડર્સ રોગના શંકાસ્પદ લક્ષણો જણાતા પશુપાલન વિભાગના તબીબો દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પરીક્ષણ માટે હરિયાણાના હિસાર સ્થિતિ  વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
તબીબોના જણાવ્યા મુજબ, ગ્લેન્ડર્સ એક ‘ઝૂનોટિક’ રોગ છે. તેનો અર્થ એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. જા કોઈ વ્યકિત  આ રોગગ્રસ્ત પશુના સંપર્કમાં આવે, તો તેને પણ સંક્રમણ લાગી શકે છે, જે ખૂબ જ જાખમી સાબિત થાય છે.
રોગચાળો વધુ ન ફેલાય તે માટે તંત્ર અસરગ્રસ્ત વિસ્તારની ૧૦ કિમીની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વોનું સઘન સર્વેલન્સ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ, અંદાજે ૩૫ જેટલા અશ્વોના લોહીના નમૂના લઈ તેને ચોક્કસ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જાતા, આગામી ૧ મહિના સુધી અશ્વોની કોઈપણ પ્રકારની હેરફેર, લે-વેચ કે પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
પશુપાલન વિભાગે અશ્વ માલિકોને અપીલ કરી છે કે, જા તેમના અશ્વમાં નાકમાંથી પ્રવાહી નીકળવું, શરીરે ગાંઠો થવી કે શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ પણ લક્ષણો જણાય, તો તાત્કાલિક સરકારી પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો. સાવચેતી જ આ રોગ સામે બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.