દિવસેને દિવસે સોશિયલ મીડિયાનું દૂષણ વધતું જાય છે. ત્યારે અમુક આવારા તત્વો આ દૂષણની આડમાં ભોળી સગીર વયની છોકરીઓ તથા યુવતીઓ સાથે મીઠી મીઠી વાતો કરીને પહેલા દોસ્તી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવે છે. જે બાદ લગ્નની લાલચ આપીને તેની સાથે કુકર્મ કરે છે. આવો જ એક કિસ્સો હાલ જુનાગઢ જિલ્લામાંથી સામે આવ્યો છે કે, જ્યાં એક નરાધમે શહેરની એક યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચે દુષ્કર્મ આચરીને પૈસા પડાવ્યા હતા. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આ નરાધમને પકડી પાડ્યો છે અને તપાસ શરૂ કરી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢના ઉપલેટાની એક ૨૫ વર્ષીય યુવતીના લગ્ન જામનગરમાં થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન થતા લગ્નના ૧૫ દિવસ બાદ તે ઉપલેટામાં પોતાના પિયર આવી ગઈ હતી અને તેના પતિ સામે ઉપલેટા કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ સમયે તે રાજકોટની એક હોસ્ટેલમાં રહેતી હતી, તે દરમિયાન જુનાગઢના વસીમ સાદિક નાગોરી નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક કરીને વાતચીત શરૂ કરી હતી. યુવતીની ફરિયાદ અનુસાર, જુનાગઢના આ વસીમે તેને ઇન્સ્ટાગ્રામ પર મીઠી મીઠી વાતો કરીને પહેલા મિત્રતા કેળવી હતી. જે બાદ મોબાઇલ નંબર મેળવીને વોટ્સએપ અને ટેલિફોનિક વાતચીત કરીને ફરિયાદી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આવી રીતે બંને વચ્ચે સતત ત્રણ મહિના સુધી વાતચીત થઈ રહી, ત્યારે વસીમે આ ફરિયાદી યુવતીને લગ્નની લાલચ આપી જુનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલી રુદ્ર હોટલમાં મળવા બોલાવી હતી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.આવી જ રીતે લગ્નની લાલચે આ નરાધમ વસીમ ફરિયાદી યુવતીને જુનાગઢ અને રાજકોટની જુદી જુદી હોટલમાં અવારનવાર મળવા બોલાવતો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આટલું નહીં આ વસીમે ફરિયાદી યુવતીને ધમકી આપી ૫.૮૩ લાખ રૂપિયા પડાવી લીધા હતા. અનેકવાર દુષ્કર્મ આચરનાર વસીમે પ્રથમ ૧.૭૦ લાખની માગણી કરી હતી, જે યુવતીએ બેંક લોન લઈ વસીમને આપ્યા હતા. બાદમાં રોકડા અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન તેમજ સોનાનો હાર પણ વસીમને આપ્યો હતો. કુલ ૫,૮૩,૩૩૩ રૂપિયા વસીમે પડાવી લીધા હતા અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.વધુમાં આ નરાધમી વસીમ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો અને કહેતો હતો કે, ‘જા આ બાબતે કોઈને પણ કહીશ, તો તારા પતિને આ વાત જણાવી દઈશ અને તું ડોમેÂસ્ટક વાયોલન્સનો કેસ હારી જઈશ.’ આ ધમકીના ડરથી યુવતી ચૂપ રહી અને વસીમે સતત એક વર્ષ સુધી જુનાગઢ સહિત અલગ અલગ હોટલોમાં તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. આ ઘટનાથી ભાંગી પડેલી આ યુવતીએ આખરે હિંમત કરીને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી વસીમ સાદીક નાગોરીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.આ અંગે વધુ માહિતી આપતા જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે, પોલીસની પૂછપરછ દરમિયાન વસીમ નાગોરીના તેના પરિવારમાં તેની બહેન એડવોકેટની પ્રેક્ટિસ કરે છે અને તેમના પિતા ભૂતકાળમાં પોલીસમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત આરોપી વસીમ સામે અત્યાર સુધીમાં કુલ નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.