અમરેલી જિલ્લામાંથી પોલીસે ૮ સ્થળેથી ૪૮ ખેલી ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર શકુની ફરાર થઈ ગયા હતા. તેમની પાસેથી ૧,૦૨,૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નાગેશ્રી પાદર વિસ્તાર જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઇસમો રોકડા ૪૭૦૦ સાથે પકડાયા હતા. વંડા ગામે દેવીપૂજક વાસ પાસે આવેલી પડતર જગ્યામાંથી છ ઈસમો તીનપત્તી રમતાં રૂપિયા ૧૧,૩૦૦ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. વંડાથી મેકડા જવાના રોડે સુરવા નદીના પટમાંથી સાત શખ્સો જુગાર રમતાં રોકડા ૧૮,૧૫૦ સાથે ઝડપાયા હતા. ખાંભાના ઉમરીયા ગામની સીમમાંથી બે જુગારી રોકડા ૧૧,૭૨૦ સાથે પકડાયા હતા, જ્યારે ચાર ફરાર થઈ ગયા હતા, અહીંથી પોલીસે ત્રણ બાઇક સહિત કુલ ૨૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલીમાં હનુમાનપરા જીઆઈડીસીમાંથી પોલીસે છ જુગારીને રોકડા ૧૨,૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. નાની ખેરાળી ગામે અવેડા વિસ્તારમાંથી પોલીસે છ શકુનીને ૧૭,૦૪૦ના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. ઝર ગામે પાણીના ટાંકા પાસેથી ચાર જુગારી રોકડા ૧૦,૨૩૦ સાથે પકડાયા હતા. ચલાલા હુડકો-૨ હુસેની ચોક પાસેની શેરીમાંથી ચાર જુગારી રોકડા ૭૨૬૦ સાથે ઝડપાયા હતા. પોલીસે પકડાયેલા તમામ ઈસમો સામે જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરી હતી.