જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાંથી એક અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. લાંબા સમયથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓની પીડા સહન કરી રહેલા એક વૃદ્ધ દંપતીએ અસહ્ય યાતનાઓથી કંટાળીને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે અને માનસિક આરોગ્ય તેમજ વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
વાંકિયા ગામમાં રહેતા ૭૦ વર્ષીય દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને તેમના પત્ની ૬૮ વર્ષીય મનુબેન દામજીભાઈ ભીમાણી ઘણા વર્ષોથી વિવિધ શારીરિક અને માનસિક વ્યાધિઓથી પીડાતા હતા.માહિતી અનુસાર,આ દંપતી સતત પીડા અને અસ્વસ્થતામાં જીવી રહ્યા હતા, જેના કારણે તેઓનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું હતું. ૨ માર્ચ ૨૦૨૬ના રોજ, આ અસહ્ય યાતનાઓથી મુકિત  મેળવવા માટે તેઓએ પોતાના ઘરમાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા.
ઝેરની અસર થતા જ પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમની તબિયત અત્યંત ગંભીર બની ગઈ હતી અને ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના પછી પરિવારમાં અત્યંત દુઃખ અને અસમંજસનું વાતાવરણ છે, કારણ કે મૃતકોના પુત્ર મગનભાઈ અને પુત્રવધૂ બંને મૂકબધિર છે, જેના કારણે તેઓને આ ઘટનાની સમજ આપવી પણ મુશ્કેલ બની રહી છે.
ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ તાત્કાલિક હોસ્પિટલ  પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વૃદ્ધ દંપતીએ અગાઉ પણ આપઘાતના પ્રયાસો કર્યા હતા. દામજીભાઈએ એક વખત ચાલુ રિક્ષામાંથી કૂદકો મારીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે મનુબેને પણ આવો જ પ્રયાસ કર્યો હતો. જાકે, તે સમયે તેઓ બચી ગયા હતા અને પરિવારજનોએ તેમને સમજાવીને રોકાયા  હતા.
મૃતકોના પૌત્ર મયંક મગનભાઈ ભીમાણીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજા મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના આપઘાતની જાણ પડે છે અને કોઈ શંકાસ્પદ તત્વ જણાતું નથી, તેથી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે અને પરિવારજનોના નિવેદનોના આધારે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.