પોલીસ, ખાણ-ખનીજ વિભાગ કે આરટીઓને ઓવરલોડિંગ વાહનો દેખાતા ન હોવાથી ગ્રામજનોમાં રોષ

પથ્થરો ભરેલો ટ્રક પલટી ખાઈ જતા કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ

રાજુલા ધાતવરડી ડેમ નજીક આવેલ મહાકાય ક્વોરી લિઝ ભરડીયાઓ રાત દિવસ ધમધમી રહ્યા છે. હેવી બ્લાસ્ટ કરી મહાકાય મોટા પથ્થરો કાઢવામાં આવે છે. આ પથ્થરો જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સ્વાન એનર્જી કંપની દ્વારા જેટી બનાવવા માટેની કામગીરીમાં નાખવામાં આવે છે. છેલ્લા ૪ વર્ષ કરતા વધુ સમયથી ઓવરલોડિંગ પથ્થરો ભરી દરિયા કિનારે ઠાલવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રકચાલકો અતિ જોખમી રીતે ટ્રકોમાં મોટા પથ્થરો ભરી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યા છે. ભારે પથ્થરોના કારણે ટ્રકો પલટી મારી જવાના બનાવો વધી રહ્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે. વધુ એક પથ્થર ભરેલ ટ્રક જાફરાબાદ તાલુકાના વાંઢ ગામથી વારાહસ્વરૂપ જવાના માર્ગે પલટી મારી જતા અફડા તફડી મચી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. કલાકો સુધી માર્ગ બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાંઢ ગામના સ્થાનિક આગેવાન રાજુભાઇ રબારીએ જણાવ્યું કે આ વાંઢ અને વારાહસ્વરૂપને જોડતો મુખ્ય માર્ગ છે. મોટા પથ્થરો ઓવરલોડિંગ ભરીને ટ્રકો સ્વાન કંપનીમાં જાય છે. વાંઢ ગામથી વારાહસ્વરૂપ જવાના માર્ગ વચ્ચે આવી રીતે ટ્રક પલટી મારી જતા રસ્તો બંધ થાય છે. આ પહેલીવારની ઘટના નથી આવું તો અહીંયા ચાલુ જ હોય છે. કયારેક ટ્રક ફસાઈ જાય છે અને પલટી જવાનું તો શરૂ જ હોય છે જેના કારણે અન્ય વાહનચાલકો, ગ્રામજનો પરેશાન છે. વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. અહીં આવેલ અલ્ટ્રાટ્રેક કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પસાર થાય છે તે પણ ભારે પરેશાન થાય છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કઈક ઉકેલ લાવવા માટે લોકોની માંગ છે.

 

પથ્થર ભરેલા ટ્રક વારંવાર પલટી મારી રહ્યા છે
અગાઉ થોડા દિવસ પહેલા આગરીયા ગામ નજીક રોડ ઉપર ઓવરલોડિંગ પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતા પથ્થર રોડ ઉપર પડ્યા હતા. ત્યારબાદ ચારનાળા નજીક બ્રિજ ઉપર ટ્રક પલટી મારી ગયો હતો, મિતિયાળા નજીક પલટી મારી હતી, લોઠપુર, વાંઢ, વારાહસ્વરૂપમાં વારંવાર પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જાય છે.હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી.

કંપની સામે જિલ્લા ટ્રાફિક શાખા, આરટીઓ લાજ કાઢે છે
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા, આર.ટી.ઓ. વિભાગ, જાફરાબાદ પોલીસ, મામલતદાર વહીવટી શાખા દ્વારા પથ્થર ભરેલા કોઈ વાહનોનું ચેકીંગ કરવામાં આવતું નથી. ડિટેઇન કરવાની હિંમત પણ અધિકારીઓમાં નથી જેના કારણે વિસ્તારમાં અધિકારીઓ, કર્મચારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ સામાન્ય વાહનચાલકોને દંડનાત્મક કાર્યવાહી કરતી હોય છે પરંતુ ઓવરલોડ પથ્થર ભરેલ ટ્રક સામે કાર્યવાહી કરવા માટે સંયુક્ત ટીમો બનાવી અભિયાન હાથ ધરવા માટે માંગ ઉઠી છે.

ધાતરવડી ડેમનો સર્વે રિપોર્ટ હજુ જાહેર નથી થયો
રાજુલા ધાતરવડી ડેમ નજીક ભરડીયા ધમધમી રહ્યા છે. ડેમને નુકસાન થવાની ફરિયાદો બાદ સિસ્મોલોજી મારફતે સર્વે કરવાની કામગીરી હાથ ધર્યા બાદ ધાતરવડી ડેમ-૧ આખો પાણીથી છલોછલ ભરેલ છે અને બાજુમાં ભરડીયામાંથી બ્લાસ્ટિંગ કરી પથ્થરો કાઢવા માટે રાત દિવસ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરડીયાની મહાકાય ખાણ મોતની ખાણ બની રહી છે. ઉદ્યોગોમાં પથ્થર ગેરકાયદેસર ઓવરલોડિંગ જઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે.