જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગીર કનકાઈ ખાતે આવેલ શ્રી માતાજી કનકેશ્વરી મંદિરના લાંબા સમયથી વિવિધ પેન્ડિંગ પ્રશ્નોના નિરાકરણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તંત્ર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રકુમાર કાંતીલાલ જાની દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓમાં યાત્રાળુઓના માર્ગ, સુરક્ષા, સુવિધા તેમજ મંદિર સંચાલનને લગતા મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નદી-નાળાઓ ઉપર કોઝ-વે કમ પુલ બનાવવાની માંગ છે, હરડક, મવાની, શિંગોડા અને વાલોરીયા જેવી જગ્યાએ કોઝ-વે ન હોવાના કારણે ચોમાસામાં મંદિરના પૂજારીઓ, કર્મચારીઓ તેમજ વન વિભાગને ભારે મુશ્કેલી પડે છે. અગાઉ ગીરના અન્ય માર્ગો પર વન વિભાગ દ્વારા કોઝ-વે બનાવવામાં આવ્યા હોવાના ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા છે. કનકાઈ મંદિર સુધી આવવા-જવા માટેના માર્ગની વાત કરવામાં આવી છે. ગીર સેટલમેન્ટ રિપોર્ટ મુજબ મેલડી આઈથી તુલસીશ્યામ જવાનો માર્ગ અગાઉ ચાલુ હતો અને તે અંગેના જી.આર. પણ અસ્તિત્વમાં છે. હાલ ફુદડીધાર-સેમરડી નાકા મારફતે યાત્રાળુઓને પ્રવેશ મળે છે, પરંતુ મેલડી નાકાથી પ્રવેશ કરી છોડવડી તરફથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. કનકાઈ મંદિર માટે સૂર્યોદયથી પ્રવેશ આપવાની માંગ છે.