હાથલા ગામમાં આવેલા શનિદેવ મંદિરમાં કાળભૈરવ, શનિદેવ, પનોતી અઢી વર્ષ, પનોતી સાડા સાત વર્ષ એમ સિંદૂર ચડાવેલી ભિન્ન ભિન્ન મૂર્તિઓ છે. મૂર્તિના સાનિઘ્‌યમાં ઐતિહાસિક શનિદેવ જે સૈકાઓથી બિરાજમાન છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીક હાથલા ગામ શનિદેવનું પ્રાગટય સ્થળ મનાય છે.જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગણાપુર મનાય છે,તે રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા.અહીં ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે. આથી આ ઐતિહાસિક સ્થળે શનિશ્વરી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ શનિભકતો ઉમટી પડે છે.
ગુજરાત ઉપરાંત ભારતભરના ભક્તો અહીં આવી પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. તો કેટલાય પોતાની પનોતી ઉતારવા કે શનિદોષમાંથી મુક્તિ મેળવવા આવે છે.ભારતનું હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે, જ્યાં સ્ત્રીઓ સહિ‌ત ભક્તો પોતાની જાતે ભગવાનની પૂજા-અર્ચના કરી શકે છે.
આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે.
શનિદેવ મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ મામા-ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નવાં નક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. વળી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખાં પહેરીને આવે છે અને શનિ મંદિરે પોતાના પગરખા મુકીને જાય છે.માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે.
હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરુ મહત્વ છે, વર્ષો પૂર્વ રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતા. એવામાં આ બાજુ આવતા હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે ત્યાં આરતી થઈ. આથી, દશરથજીને થયું કે આ તો આપણે દ્વારકા પાછળ છોડી દીધું, તેઓ પાછા ફર્યા ત્યાં વચ્ચે આ સ્થળે રામજીને તરસ લાગી, તેના પાણી માટે થઈને બાણથી દશરથજીએ પાણીનો પ્રવાહ નીકાળ્યો. તે આજે શનિકુંડ તરીકે પ્રસિદ્ધ છે.
આ શનિકુંડ બાબતે કહેવાય છે કે, અહીં વર્ષો પહેલા પાંડવો જ્યારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે કૃષ્ણ ભગવાને જણાવ્યું હતું કે, હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દૂર થશે અને પાંડવોએ હાથલા આવી શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધિ કરાવી પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરી શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવી, શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું મનાય છે.
હાથલામાં ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી પ્રાચીન આ શનિદેવનું સ્થાન ઈવની છઠ્ઠી-સાતમી સદીનાં મૂર્તિ, શનિકુંડ પુરાતત્વ દ્વારા રક્ષિત છે.હાલ આ મંદિરમાં હાથીની સવારી પર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હયાત છે.શનિકુંડ ઊંડો છે, જેમાં કોસ અને રેંટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધ્યો છે.
હાલના બરડા ડુંગરનું શ્રૃષિકાલિન જુનું નામ બટુકાચળ અને તેના જંગલનું નામ પીપ્પલાવન હતું. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હસ્થથલ, અને અત્યારનું હાથલા છે. અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી પર બિરાજે છે એવો થાય છે. હાથલાના અવશેષ ૧૫૦૦ વર્ષથી પણ જૂના છે. શાસ્ત્રોકત રીતે શનિદેવનાં દશ નામ, દશ વાહન અને દશ પત્નિ છે. તેમાંથી એક નામ આ સ્થળના વનના નામ પરથી પિપ્પલાશ્રય અને વાહન હાથીની સવારી તે અહી છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી પર નથી. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી પરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી પર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાય કરવામાં કોઈની લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઈ થાય છે. આ કારણે યમુના સ્નાનથી યમની અને તાપી સ્નાનથી શનિદેવનું નડતર દૂર થાય છે.
મુગદ્દલ શ્રૃષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કર્યા હતા. આ ઋષિએ આ સ્થળે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા સ્તોત્રની રચના કરી હતી. તેમાંથી શનિમાનસ પૂજા સ્તોત્ર થોડા ફેરફાર સાથે આજે પણ જાણીતું છે. sanjogpurti@gmail.com