(૧) રૂપિયો કેમ બહુ ગગડતો હશે?
જય દવે (ભાવનગર)
કેમ કે રૂપિયો ગોળ હોય છે!
(૨) ગમતી વ્યક્તિ જ઼ સ્વપ્નમાં આવી શકે તેવી જોરદાર ટેબ્લેટની શોધ થાય તો?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
મારે એકલાએ ઘણાં બધાના સપનામાં જાવું પડે!
(૩) ભાવ હોય ત્યાં ભગવાન હોય એ સાચું છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
મને લાગે છે કે ભગવાન હોય ત્યાં ભાવ હોય.
(૪) પ્રાણી સંગ્રહાલયમાં તમને સૌથી વધારે ક્યું પ્રાણી ગમે..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
પ્રાણીઓને જોતા માણસો.
(૫) તમને કથાકાર બનવામાં કોઈ રસ ખરો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
હા, તમને કથા સાંભળવામાં રસ હોય તો.
(૬) સાહેબ..! કોઈ સવાલ વાંચીને તમારા બ્લડપ્રેશર પર કોઈ અસર પડે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
સારો સવાલ વાંચું તો શેર લોહી ચડે.
(૭) સમજણનું સુંદર સરોવર કેમ બનાવવું?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
’ડાહ્યા‘ માણસને જ આવો વિચાર આવે.
(૮) ચાર વેદમાંથી તમે કેટલા વેદ જાણો છો ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ચારેય વેદના નામ કડકડાટ બોલી જાઉં છું.
(૯) વૈવાહિક દરજ્જે “પારકે ભાણે મોટો લાડુ” જેવુ ફક્ત પુરુષોને જ થાય છે કે સ્ત્રીઓને પણ થતું હશે?
કનુભાઈ પરમાર (દામનગર)
તમે પૂછી જુઓ. અમે પણ પૂછી જોઈશું.
(૧૦) ગધેડાને ગધેડો કહેવાથી લોકો કેમ હસવા લાગે છે?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
એમ તો માણસને માણસ કહીએ તો અમુક ગધેડાઓ હસવા લાગે છે!
(૧૧) ઉનાળામાં પવન લાગતો નથી પણ શિયાળામાં લાગે છે એનું કારણ શું?
રાજેશભાઈ ડણાંક (અમરેલી)
ઉનાળામાં ગરમીથી ડરીને પવન પરદેશ જતો રહે છે.
(૧૨) પનીરનું શાક પનીર વગર કઈ રીતે બનાવી શકાય?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
બટેટાનું શાક વડના ટેટા વિના બનાવી શકાય છે એમ જ.
(૧૩) ઇશ્વરે વાનરમાંથી નર બનાવ્યા હવે નરમાંથી શું બનાવશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
જેને જે બનવું હોય એ અરજી લખી આવતા જતા લોકો સાથે પહોંચાડી દેજો.
(૧૪) ઘડિયાળમાં બાર અને છ તેમજ ત્રણ અને નવ શા માટે સામસામે હોય છે?
માહીબેન ડણાક (અમરેલી)
હું ડિજિટલ ઘડિયાળ રાખું છું. એમાં બધા સાથે ને સાથે હોય છે કોઈ સામસામે નથી હોતું.
(૧૫) થોડા ગુણ અને અવગુણના નામ લખો.
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
આ કેટલા ગુણનો સવાલ છે? ઓછા ગુણનો સવાલ હોય તો હું અવગણવા માગું છું.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..