એક સમયની વાત છે. પૃથ્વી પર બધાં બાળકો ઘરે બેસીને મોબાઈલ અને લેપટોપ પર ભણતાં અને શીખતાં હતાં. આ જોઈને આકાશમાં બેઠેલા ચાંદામામાને પણ વિચાર આવ્યો કે, ‘અરે! બધાં બાળકો ટૅકનોલોજીની મદદથી ઓનલાઈન ભણે અને શીખે છે, તો મારે પણ કંઈક નવું કરવું જોઈએ!’
ચાંદામામાએ તરત જ આકાશમાં રહેલા તારાઓની મદદ લીધી અને એક મોટો ‘સ્ટાર-ફોન’ ખરીદ્યો. પછી તો શું? ચાંદામામાએ પોતાનું નામ રાખ્યું – ‘ચંદુ ટયૂટર.’ એમણે પોતાની એક ચેનલ પણ બનાવી!
એક રાત્રે જ્યારે બધાં બાળકો સૂવાની તૈયારી કરતાં હતાં, ત્યારે અચાનક બધાના મોબાઈલમાં નોટિફિકેશન આવ્યુંઃ ‘ચાંદામામા ઈઝ લાઈવ!’ બાળકો તો રાજીનાં રેડ થઈ ગયાં! ટીકુ, પિંકુ અને મનુએ ફટાફટ લેપટોપ ખોલ્યું. સ્ક્રીન પર ચાંદામામા દેખાયા. પણ આ શું? ચાંદામામાએ તો મોટાં ચશ્મા પહેર્યાં હતાં અને હેડફોન લગાવીને બેઠા હતા!
ચાંદામામા બોલ્યા, ‘હેલો બાળકો! આજે આપણે વાર્તા નહીં સાંભળીએ, આજે આપણે ‘ડિજિટલ અંતાક્ષરી’ રમીશું!’ ચાંદામામા હજુ તો બોલવાનું શરૂ જ કરે છે ત્યાં તો એમનું નેટવર્ક ચોંટવા લાગ્યું. ચાંદામામાનો ચહેરો સ્ક્રીન પર અટકી ગયો. ટીકુ હસતાં હસતાં બોલ્યો, ‘મમ્મી જો તો ખરી! ચાંદામામા તો સ્ટેચ્યૂ થઈ ગયા!’
થોડી વાર પછી ચાંદામામા પાછા આવ્યા અને બોલ્યા, ‘અરે ભાઈ, આ વાદળ વચ્ચે આવી ગયું હતું એટલે વાઈ-ફાઈ (ઉૈ-હ્લૈ) કપાઈ ગયું! ચાલો, હવે આપણે ગીત ગાઈએ.’ તારાઓ પાછળથી ગિટાર વગાડવા લાગ્યા. પણ ચાંદામામા એટલા જોરથી ગાતા હતા કે આખા આકાશમાં ગડગડાટ થવા લાગ્યો. પિંકુએ મેસેજ કર્યો, ‘ચાંદામામા, તમારો અવાજ બહુ મોટો છે, મમ્મી ખીજાશે!’
વાર્તાના અંતે ચાંદામામાએ કહ્યું, ‘બાળકો, ચાલો આપણે એક ‘ગ્રુપ સેલ્ફી’ લઈએ!’ બધાં બાળકોએ પોતાના મોબાઈલ સામે સ્માઈલ કરી. ચાંદામામાએ આકાશમાંથી એક મોટો ફ્‌લેશ પાડ્‌યો. આખા ગામમાં અજવાળું-અજવાળું થઈ ગયું! પણ ખરેખર તો એ વીજળી થઈ હતી. ચાંદામામા બોલ્યા, ‘અરેરે! મેં તો ભૂલથી ‘લાઈટીંગ મોડ’ ચાલુ કરી દીધો!’
રાત ઘણી થઈ ગઈ હતી. ચાંદામામાના મમ્મીએ બૂમ પાડી, ‘ચંદુ! હવે મોબાઈલ મૂકી દે અને સૂઈ જા, સવારે સૂરજદાદાને આવવાનો સમય થઈ જશે!’
ચાંદામામાએ ઉતાવળમાં કહ્યું, ‘ઓકે બાળકો, ટાટા! બાય-બાય! કાલે ફરી મળીશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં!’ બાળકો હસતા હસતા સૂઈ ગયાં.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭