કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારીનો કાયદાકીય અધિકાર આપ્યો હતો, એ અધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગાંધીજીનું નામ ભાજપે આ કાયદામાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે અને “વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ” નામ કર્યું છે, એમ ગુજરાત કોંગ્રેસ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું. રોજગારનો અધિકાર છીનવીને હવે બજેટ આધારિત યોજના બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગ્રામસભા અને પંચાયતોનો અધિકાર છીનવીને હવે સેન્ટ્રલાઈઝ સરકાર કયા કામો કરવા તે નક્કી કરવાનો ફેરફારનો બદલાવ પણ સૂચવવામાં આવ્યો છે. અગાઉ ૯૦:૧૦ નો રેશિયો હતો જેમાં બજેટમાં ૯૦ ટકા કેન્દ્ર અને ૧૦ ટકા રકમ રાજ્ય સરકાર. એમાં ફેરફાર કરીને હવે ૬૦ ટકા રકમ કેન્દ્ર અને ૪૦ ટકા રાજ્ય સરકારે ભોગવવાની રહેશે. કોઈપણ રાજ્ય સરકારની સંમતિ વગર આ રેશિયો કર્યો છે. અમુક રાજ્યોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જો ૪૦ ટકા બજેટ ફાળવી શકાશે નહીં તો ગ્રામ્ય વિસ્તારના લોકોની રોજગારીનો અધિકાર છીનવાઈ જશે. ખેતીની સીઝનમાં ૬૦ દિવસ કામ નહીં માંગી શકાય. જ્યારે કોંગ્રેસના સમયમાં આખા વર્ષમાં કામ મળતું. સરકાર ૧૨૫ દિવસ રોજગારીની વાતો કરે છે, પરંતુ અમુક વર્ષોના ડેટાના અભ્યાસ પરથી જાણવા મળે છે કે એવરેજ ૪૨ થી ૪૬ દિવસની રોજગારી મળી છે. વાસ્તવિકતા એ છે કે આ સરકાર ૧૨૫ દિવસ રોજગારની વાત કરે છે, પરંતુ ૧૦૦ દિવસનો રોજગાર પણ આપી શકતી નથી. મનરેગા મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવામાં આવે એવી માંગ છે અને સરકારે કાયદામાં ફેરફાર કરવા હતા તો લઘુત્તમ વેતનમાં સુધારો કરવો જોઈતો હતો પણ ભાજપ એકતરફી રીતે સુધારો લાવીને આખા દેશ પર થોપવાનો પ્રયાસ કરે છે, એનો આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા બચાવો આંદોલનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરો જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ૧૦ જાન્યુઆરીથી શરૂઆત કરી છે અને ૨૫ ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતના દરેક ગામમાં જઈને આ કાયદાના સ્વરૂપને યોજનામાં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એના વિરોધમાં ગ્રામસભામાં ઠરાવો કરાવવામાં આવશે તેમજ લોકોને જાગૃત કરવામાં આવશે. આગામી વિધાનસભા સત્રમાં વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ પણ કરવામાં આવશે.







































