ગોંડલ નેશનલ હાઈવે પર અકસ્માતોની હારમાળામાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામ પાસે હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે એક ૨૦ વર્ષીય આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેના બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગોંડલના મોવિયા રોડ વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો બાઈક પર સવાર થઈ જેતપુર ખાતે ફેબ્રિકેશનના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની વિગત મુજબ, બાઈક ગડર સાથે અથડાયા બાદ ટ્રકની ટક્કર લાગતા શકીલ હબીબભાઈ મસ્કતીનું માથું અથડાવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક શકીલના દેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન  મૂકીને અથવા વાહન સાથે ફરાર થઈ ગયો છે.