કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે દેશમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં કોઈ પેટ્રોલિયમ ઉત્પાદન કટોકટી નથી અને કોંગ્રેસ પાર્ટી એક પાયાવિહોણા મુદ્દાને અતિશયોકતીપૂર્ણ રીતે રજૂ કરીને જનતામાં મૂંઝવણ ઊભી કરવાનો બેજવાબદાર પ્રયાસ કરી રહી છે.
મીડિયા સાથે વાત કરતા, શેખાવતે કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવે ચોક્કસપણે વૈશ્વીક સ્તરે ઊર્જા પુરવઠા અંગે પડકારો ઉભા કર્યા છે, પરંતુ ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ભારત પડોશી દેશો કરતાં ઘણી સારી સ્થિતિમાં છે. પાકિસ્તાનમાં કટોકટીની સ્થિતિ વિકસિત થઈ છે, જ્યારે બાંગ્લાદેશમાં, સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે રજાઓ જાહેર કરવી પડી છે. તેમણે ધ્યાન દોર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા મુખ્ય અર્થતંત્રોમાં, જાન્યુઆરીની તુલનામાં માર્ચમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં આશરે ૨૨ ટકાનો વધારો થયો છે. જાકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતમાં ભાવમાં એક પણ રૂપિયો વધારો થયો નથી કે કોઈ ઘટાડો થયો નથી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૬૦ ટકાથી વધુ આયાત કરે છે, જેમાંથી આશરે ૭૫ ટકા પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. તેમણે કહ્યું કે ઈરાની પ્રતિબંધથી પુરવઠા પર અસર પડી હતી, પરંતુ સરકારે આયાત સ્ત્રોતોને વિસ્તૃત કરવા માટે સક્રિય પગલાં લીધાં. અગાઉ, ભારત ૨૭ દેશોમાંથી તેલ આયાત કરતું હતું, જે હવે ૪૦ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. ભારતની સપ્લાય ચેઇન હવે ગલ્ફ દેશો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ સુધી વિસ્તરેલી છે.
દેશના ૩૩૦ મિલિયન ગેસ ગ્રાહકોને ખાતરી આપતા, શેખાવતે કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા સ્થાનિક ગ્રાહકો છે. તેમણે સમજાવ્યું કે અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બુકિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, જેથી લોકો ગભરાઈ ન જાય અને બિનજરૂરી રીતે સ્ટોક ન કરે. ગેસ કાળા બજાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, વાણિજયક ગેસ પુરવઠો ૨૦ ટકા ઘટાડી દેવામાં આવ્યો છે, અને કેરોસીન ક્વોટા પણ ખોલવામાં આવ્યા છે.
કોંગ્રેસના વિરોધ પર કટાક્ષ કરતા, શેખાવતે કહ્યું કે જાધપુરમાં પ્રદર્શનકારીઓના ઘરોની મુલાકાત લેવી જોઈએ કે તેઓ લાકડા પર રસોઈ બનાવી રહ્યા છે કે કોલસા પર. દરેકના ઘર ગેસ પર સળગી રહ્યા હોવા છતાં, ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમનો પોતાનો પક્ષ પણ હવે તેમના શબ્દોને ગંભીરતાથી લેતો નથી. રશિયાથી તેલની આયાતના મુદ્દા પર, તેમણે સ્પષ્ટતા કરી કે છેલ્લા એક વર્ષમાં ભારતની કુલ આયાતમાં એકલા રશિયાનો હિસ્સો આશરે ૨૨ ટકા રહ્યો છે, અને આ સતત ચાલુ છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને “કાલ્પનિક માહિતી” પર આધારિત ગણાવ્યું.









































