ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના પયાગપુર તાલુકામાં ત્રણ માળની ઇમારતમાં કાર્યરત એક કથિત ગેરકાયદેસર મદરેસામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નિરીક્ષણ દરમિયાન, ૯ થી ૧૪ વર્ષની વયની ૪૦ સગીર છોકરીઓ શંકાસ્પદ સંજાગોમાં મદરેસાના શૌચાલયમાં બંધ મળી આવી. આ ઘટના બાદ, લઘુમતી કલ્યાણ વિભાગે મદરેસાને તાત્કાલિક બંધ કરવાનો અને છોકરીઓને તેમના ઘરે સુરક્ષિત પરત મોકલવાનો આદેશ આપ્યો છે.
પયાગપુરના સબ-ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અશ્વીની કુમાર પાંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર મદરેસા અંગે ફરિયાદ મળ્યા બાદ તેઓ અને તેમની ટીમ બુધવારે પહેલવાડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મદરેસાના સંચાલકોએ શરૂઆતમાં તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. જ્યારે ટીમ પોલીસની મદદથી પ્રવેશી ત્યારે છત પરના શૌચાલયનો દરવાજા બંધ જાવા મળ્યો. જ્યારે મહિલા પોલીસ અધિકારીઓએ દરવાજા ખોલ્યો, ત્યારે એક પછી એક ૪૦ છોકરીઓ બહાર આવી. બધી ગભરાઈ ગઈ હતી અને બોલી શકતી ન હતી.
જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે, મદરેસાના શિક્ષક તકસીમ ફાતિમાએ જણાવ્યું હતું કે આશ્ચર્યજનક નિરીક્ષણને કારણે થયેલા ગભરાટને કારણે છોકરીઓ ડરથી શૌચાલયમાં છુપાઈ ગઈ હતી. જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી મોહમ્મદ ખાલિદે જણાવ્યું હતું કે મદરેસાના રેકોર્ડની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે મદરેસાના મેનેજમેન્ટને છોકરીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવા સૂચના આપી છે.
અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું હતું કે છોકરીઓના માતાપિતા, એસડીએમ કે લઘુમતી કલ્યાણ અધિકારી દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તેમણે ખાતરી આપી હતી કે જા ફરિયાદ મળશે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.