ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ જ તોફાની બન્યો. સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ ધારાસભ્યો મનરેગા કૌભાંડ મુદ્દે ગૃહ બહાર સૂત્રોચ્ચાર કરી મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામા અને ધરપકડની માગણી કરતા દેખાવમાં ઉતર્યા હતા. હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરતા જાવા મળ્યા. નોંધનીય છે કે કોંગ્રેસે અગાઉ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, પરંતુ રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ ને કારણે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. છતાંય ગૃહ બહાર વિરોધનો માહોલ તીવ્ર રહ્યો હતો વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પંચાયત મંત્રી બચુ ખાબડ ગૃહમાં ગેરહાજર રહ્યા. ચાલતી ચર્ચા મુજબ સરકારે ઇરાદાપૂર્વક તેમને ગૃહમાં હાજર ન રાખવાનો નિર્ણય કર્યો છે જેથી સીધી ટીકાનો સામનો ન કરવો પડે.આજના સત્ર પહેલાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રોડ અને રસ્તાની ખરાબ હાલત મુદ્દે અનોખી રીતે વિરોધ કર્યો. વિધાનસભા સચિવાલયના પ્રવેશદ્વાર પર મીડિયા સમક્ષ “રસ્તા બનાવો” જેવા સૂત્રો ધરાવતા બેનરો બતાવીને તેમણે વિરોધ નોંધાવ્યો.દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તાજેતરમાં થયેલી ધરપકડ બાદ, કોર્ટના શરતી જામીન મળતાં આજે સત્રમાં પોલીસ જાપ્તા વચ્ચે હાજર રહ્યા. તેમની હાજરી ખાસ ચર્ચાનો વિષય બની.પ્રશ્નોત્તરી દરમિયાન પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સત્તાપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કટાક્ષ કરતાં કહ્યુંઃ “દાદાગીરી કે મજબૂરીથી અમારો મુદ્દામાલ લઈ ગયા છો, તે પાછો આપવા માગો છો?” — જે સ્પષ્ટ ઈશારો ભાજપમાં ગયેલા કોંગ્રેસ ધારાસભ્યો તરફ હતો. તેના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુંઃ “પ્રશ્ન પૂછવા પાછળ આવવા માગતા હોય તેને માહિતી મળે એવું લાગે છે.” તેમના આ જવાબથી ગૃહમાં હાસ્યનું વાતાવરણ છવાયું.તેરા તુજકો અર્પણ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.૧૧૨ કરોડની વસ્તુઓ અરજદારોને પરત કરવામાં આવી છે. સુરતની હીરા લૂંટકાંડમાં માત્ર ૪૮ કલાકમાં કેસ ઉકેલી નાખવા બદલ પોલીસે પ્રશંસા મેળવી. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારે સ્વીકાર્યું કે ૨૨ લોકોના મોત થયા હતા. ચાર અધિકારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યના પુલોની ચકાસણી હાથ ધરાઈ છે. અત્યાર સુધી ૧૪૮ પુલ ભારે વાહનો માટે અને ૧૮ પુલ તમામ વાહનો માટે બંધ કરાયા છે. ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનું ડેટા સ્ટોરેજ સેન્ટર ૨.૪૪ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ઊભું થશે, જેમાં અંગ્રેજા વખતના દસ્તાવેજાનું ડિજિટલ સ્ટોરેજ થશે અને રેવન્યુ રેકોર્ડ મ્યુઝિયમ પણ બનાવાશે. પ્રોજેક્ટ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. અસામાજિક તત્વો સામેની કાર્યવાહી અંગે સરકારે માહિતી આપી કે અમદાવાદમાં ૧૧૦૮ અને સુરતમાં ૯૮૬ તત્વો સામે પાસાની દરખાસ્ત, તેમજ તદ્દન કડક તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.આમ, આજે વિધાનસભાના ચોમાસા સત્રમાં એક તરફ કોંગ્રેસના સૂત્રોચ્ચાર અને આપના ધારાસભ્યોના દેખાવ જાવા મળ્યા, તો બીજી તરફ સત્તાપક્ષે યોજનાઓ, કાયદો-વ્યવસ્થાની કામગીરી અને વિકાસલક્ષી જાહેરાતો સાથે વિપક્ષના કટાક્ષનો જવાબ આપ્યો. સત્રની શરૂઆતથી જ તોફાની માહોલે આગલા બે દિવસો વધુ ગરમ રહેવાના સંકેત આપ્યા છે.